નૈં નૈં નૈં
દેખાતું નૈં તેથી નૈં
એ વાત ના સૈં, ના સૈં, મારા ભૈ!
દેખાતું નૈં તેથી નૈં
દેખી દેખીને તું દેખે શું? કેટલું?
દેખ્યું તે સમજે શું કૈં?
મરકટના હાથમાં મોતીડું આલ્ય એને
કિંમત ના એની જૈં!
દેખાતું નૈં તેથી નૈં
એ વાત ના સૈં, ના સૈં, મારા ભૈ!
રણની રેતીએ નથી દરિયો દીઠેલ, નથી
દીઠો સૂરજ કદી ઘૂડ,
દરિયો સૂરજ તેથી ગપ્પાં ગણે તેને
ગણવાં તે ઘૂડ ગળાબૂડ!
દેખાતું નૈં તેથી નૈં
એ વાત ના સૈં, ના સૈં, મારા ભૈ!
સૂરજ તપે ત્યારે તારા બૂઝાય અને
તારા તગે ત્યાં નહિ સૂર!
સમજું તે સાચું ને બાકી બધું કાચું,
એ તો પીધેલની વાત ચકચૂર!
દેખાતું નૈં તેથી નૈં
એ વાત ના સૈં, ના સૈં, મારા ભૈ!
આંજણ પ્હેલાંની અને આંજણ પછીની આંખ
દેખ્યા દેખ્યામાં બહુ ફેર,
આંજણ મારું જો તને ખપતું અજાણ્યા જણ,
તારાં ઉતારું સહુ ઝેર!
દેખાતું નૈં તેથી નૈં
એ વાત ના સૈં, ના સૈં, મારા ભૈ!
-સુન્દરમ્
|