ન હીન સંકલ્પ હજો
સ્વતંત્રતા, દે વરદાન એટલું:
ન હીન સંકલ્પ હજો કદી મન;
હૈયું કદીયે ન હજો હતાશ;
ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ
રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;
વાણી ન નિષ્કારણ હો કઠોર;
રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે;
ને આંખમાંના અમી ના સૂકાય;
ન ભોમકા ગાય વસૂકી શી હો!
વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી,
તે ના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી.
સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી,
બને યુવાનો ન અકાલ વૃદ્ધ,
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો;
ધુરા વહે જે જનતાની અગ્રીણો,
તે પંગતે હો સહુથી ય છેલ્લા;
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ન પુરોહિતો બને.
અને થઈને કવિ, માગું એટલું
ના તું અમારા કવિવૃંદને કદી
ઝૂલંત તારે કર પીંજરાના
બનાવજે પોપટ- ચાટુ બોલતા.
સ્વતંત્રતા, દે વરદાન આટલું.
(૧૫-૦૮-૧૯૫૨)
-ઉમાશંકર જોશી
|