[પાછળ] 
મૃત્યુ ન કહો

મ્હેકમાં મ્હેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ  ભળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જ જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય  તો મૃત્યુ ન કહો

દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ  થઈ જઈને
એક મંઝિલની લગન આંખે ઊતરવા દઈને
ભાનની  ક્ષણને  કાળજીથી  સમેટી લઈને
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો

જે નરી આંખે જણાયાં ન એ તત્વો કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા
દૂર  દુનિયાનાં રહસ્યોનો  તાગ  મેળવવા
દૃષ્ટિ જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નીરખવા માટે
ભાનની  સૃષ્ટિની  સીમાને  પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો

-હરીન્દ્ર દવે
 [પાછળ]     [ટોચ]