[પાછળ] 


     હે જૂન ત્રીજી!

    હે જૂન ત્રીજી!
    ઓગણીસસો ને સુડતાલી સાલની!
     
    હે જૂન ત્રીજી!
    રે  છેવટે  તું  પણ  કેવું  રીઝી!
    ભૂગોળ શું સમસમીને જ સીઝી?

    હે જૂન ત્રીજી!
    હાકેમનું   ભાષણ   સાંભળીને
    આ જન્મભૂમિ ગઈ  સાવ થીજી.
    ગુલામીના જખ્મ તણી દવા મળી–
    આઝાદી, તે યે  બસ વાઢકાપથી.
    સામ્રાજ્યશાહી  થઈ   જાહિરાત,
    ગુલામીની  મૈયત  કે  બરાત?

    હે જૂન ત્રીજી!
    રે  છેવટે  તું  પણ કેવું  રીઝી!
    લાવાભર્યા કોઈ  લલાટલેખ  શી
    લકીર  તાણી,  હદ  થૈ  હદોની.
    એ  અંગવિચ્છેદની  હે  જનેતા!
    નમી પડ્યા  શૂન્યમનસ્ક  નેતા.

    નોઆખલીમાં  હતી આગ ત્યારે
    ગાંધી  મહાત્મા  તહીં  દ્વારેદ્વારે
    ભમી રહ્યા'તા દવ શાંત પાડવા.

    શું હિન્દુ? શું મુસ્લીમ? વેર શાને?
    આ આગ ઠારું જલરાશિથી હું?
    કે ધૂળ નાખી કરું શાંત જ્વાલા?
    હોમાઉં  કિંવા  હવિરૂપ   થૈને
    વિનાશકારી   ઈહ   વૈમનસ્યે?
    આવા  વલોપાત  વડે  મહાત્મા
    વીંધી રહ્યા'તા  જ તમિસ્ત્ર  કેવું!

    હે જૂન ત્રીજી!
    ઓગણીસસો ને સુડતાલી સાલની!
    મને   મહાભારતનો    પ્રસંગ
    તેવે સમે તુર્ત જ સાંભર્યો અને
    બની ગયો  હું પણ  દગ્ધ-દંગ!

    ભરીભરી   કૌરવની   સભામાં
    દુઃશાસને   દ્રૌપદી-ચીર  ખેંચ્યાં,
    રે ભીષ્મ જેવા ય  રહ્યા અચેષ્ટ,
    ને  દ્રોણ  જેવા  નિરુપાય  બેઠા.

    સિદ્ધાંતના  તાર્કિક    ધર્મબંધને
    મહાનુભાવો   અથવા   મદાંધને
    પડી  ન  સાચી  લવલેશ  સૂઝ,
    અને ન આવી  પછી એની રૂઝ.

    ત્યારે છવાયો સ્વર માત્ર હા-હા!
    વિવેકબુદ્ધિ થઈ  ત્યાં જ સ્વાહા!
    નરાધમોની હતી  હાસ્ય  હા-હા!
    કર્તવ્યમૂઢોની  વ્યથા  ય  હા-હા!

    તેવું જ  શું ભારત-ભાગલા  સમે
    બની ગયું? સ્થાપિત થૈ ઠસી ગયું?

    એ ભીષ્મની શૂન્યમનસ્કતા હતી?
    કે  દ્રોણની  અન્યમનસ્કતા હતી?
    એ  શૂન્ય   ને  અન્યમનસ્કતાને
    નથી  વખાણી  જ  પુરાણપાને 

    હે જૂન ત્રીજી! 
    રે  છેવટે તું  પણ  કેવું  રીઝી?
    ગુલામીમાં યે  ટુકડાથી  નિર્ભર,
    આઝાદી લીધી ટુકડાથી તુષ્ટ  થૈ!
    થયું   મહાભારતમાંથી   ભારત!
    રે એમ પૂરી  થઈ  કેવી આરત!

    -વેણીભાઈ પુરોહિત
 [પાછળ]     [ટોચ]