[પાછળ]


હું નાનકડો બાળ

(દોહરા)
માતપિતા  મુજને  કરે  લાડકોડ  પંપાળ
ખેલું  કૂદું  ખંતથી  હું  નાનકડો બાળ
રમું જમું  હું રંગમાં કચરું  કાળ કરાળ
કદી ડરું ના કોઈથી  હું  નાનકડો બાળ

અંગ દિગંબર માહરું લાજું  નહિ લગાર
ગણું ન પરપોતાતણું  હું  નાનકડો બાળ
લાગે તેવું  હું  લવું  નહિ કપટ જંજાળ
કુદરત કેરો  સોબતી હું  નાનકડો બાળ

સમજું વાઘ વરુ  બધાં બકરી કેરા બાળ
કરું  નાગના  નેતરાં  હું  નાનકડો  બાળ
ઝાલીને  સ્વારી કરું સિંહ તણી પણ યાળ
અબુધ બાળ રાજા બડો હું નાનકડો  બાળ

ખૂંદું ખોળો માતનો  ઝડપું  જગતી ઝાળ
ગણું દાઝવું  દોયલું   હું  નાનકડો બાળ
આગ રેલ આફત મહીં કશી મને નહિ ફાળ
માને  ચિંતા માહરી   હું  નાનકડો બાળ

લાગ્યું દિલ મુજ લહેરમાં મોજ માણતો ભાળ
ખુશી ખુશી હસતો સદા હું નાનકડો બાળ
રડતો પણ પાંપણ હસે પડતો પણ પાંખાળ
જોખમમાં પ્રભુ જાળવે  હું  નાનકડો બાળ

સુખ દુઃખ સર્વ સમાન છે નહિ ધરાળ ઊલાળ
વિશ્વ બધું વ્હાલું ગણું હું નાનકડો  બાળ
સમાન હું સમજું સહુ દે આશિષ કે ગાળ
અવધૂત પેઠે  આચરું  હું  નાનકડો  બાળ

-વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર આવસત્થી
[પાછળ]     [ટોચ]