[પાછળ] 
કવિ  મુફલિસ  છું  –
પણ છું એક કદમ આગળ સિકંદરથી

કવિ બરકત વિરાણી ‘બેફામ’ની કલમમાંથી શાયરીના અસંખ્ય સુંદર મોતી ટપક્યાં છે. તેમાંના કેટલાંક મોતી ખૂબ જ ચલણી બન્યાં છે તો કેટલાંક પુસ્તકોના પાનામાં જ પુરાઈને રહી ગયા છે. આવાં કેટલાંક ઓછા જાણીતા છતાં શાયરીના સાચા ચમકદાર મોતી અત્રે રજૂ કર્યા છેઃ


(૧)
નથી  નિસ્બત  મને  આ  ધરતીથી, નભથી, સમંદરથી
કરું   છું   હું   લડાઈ    માનવીના   મનથી  અંદરથી
ફક્ત  જીતવી નથી,  મારે  તો  રચવી છે  નવી દુનિયા
કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી
-બેફામ

(૨)
ભાગ્ય માટે કોઈ ના રાખો  સિતારા પર મદાર,
ખુદ ન જે ઉગરે, ક્યાંથી  એ બીજાનો ઉગાર?
એ  બિચારા ધરતીને અજવાળવાના કઈ રીતે?
જે  હરી શકતા નથી  આકાશનો યે  અંધકાર!
-બેફામ

(૩)
ચમનમાં  ફૂલ   ના  ખીલે  અને   વેરાન  રણ  આપે,
ઊગે નહિ જ્યાં ઉષા ત્યાં પણ નિશાનું આવરણ આપે,
નથી  અલ્લાહનો  અન્યાય  તો  બેફામ  આ  શું  છે?
જીવન જીવી શક્યાં ના હોય  એને  પણ  મરણ આપે!
-બેફામ

(૪)
મારી સઘળી અલ્પતાનું તું જ કારણ છે, ખુદા!
તું  મહાન એવો  થયો  કે  બંદગી ઓછી પડી.
દુઃખ નથી બેફામ એનું  કે  મરણ આવી ઊભું,
દુઃખ ફક્ત એ જ  કે  આ જિંદગી ઓછી પડી.
-બેફામ

(૫)
મારી   ખુદ્દાર  તમન્નાને  નડે  છે  દુનિયા
મારી ફિતરતની ખુશી સાથ લડે છે દુનિયા
મારા અલ્લાહ ક્ષમા કરજે  જો બંદો ન રહું
કે  હવે  તું  નહિ,  જીવનને ઘડે છે  દુનિયા
-બેફામ

(૬)
છુ  તારા માર્ગ  પર ને  તોય વાગે છે  મને કાંટા
કહે ઓ ઈશ, આ તે  મારી કે તારી પરીક્ષા છે?
કયામતના દિવસનો અર્થ બીજો કંઈ નથી બેફામ
વિધાતાનાં લખાણો  પર  ફિરસ્તાની સમીક્ષા છે
-બેફામ

(૭) 
તુરબત મળી જવાબમાં  માગ્યું હતું અમે
ઈર્ષ્યા  ન થાય કોઈને   એવી જગા મળે
બેફામ  જીવતાં  જ  જરૂરત  હતી  મને
શો અર્થ છે મરણની પછી જો ખુદા મળે
-બેફામ

(૮)
કબરની  ઊંઘમાં  બેફામ  જો નહિ  સ્વર્ગનાં સપના,
જીવનમાં જે મળ્યું નહિ એ મરણની બાદ શું મળશે?
અસંતોષી નથી  હોતા  જે  સાચા  હોય  છે પ્યાસા,
મળે પાણી તો  નહિ પૂછે  ઝરણની બાદ શું મળશે?
-બેફામ

(૯)
જનમ પરથી જ માનવના જીવનનું માપ થાયે છે
રડે  છે  સૌ પ્રથમ,  સૌને પ્રથમ સંતાપ થાયે છે,
જગતમાં આવનારા જીવ માટે છે  નિયમ ઉલટા
સજા પહેલાં મળે  છે  ને  પછીથી પાપ થાયે છે
-બેફામ

(૧૦)
બધાના  હાથમાં  લીટા  જ  દોર્યા   છે  વિધાતાએ
પછી ક્યાંથી  કોઈ વાંચી શકે એવાં  કરમ નીકળે?
પ્રણયને  પાપ  કહેનારા   થશે  તારી  દશા  કેવી?
કદાચ અલ્લાહને ત્યાં એજ જો દિલનો ધરમ નીકળે
-બેફામ

(૧૧) 
નિરખશો માર્ગ પર  ત્યારે નકામાં લાગશે પથ્થર
કદમ મૂકશો તો સંકટ જેમ  સામા લાગશે પથ્થર
પરંતુ   વાગશે  ને   એ  બહાને   બેસવા  મળશે
તો મારી જેમ તમને પણ  વિસામા લાગશે પથ્થર
-બેફામ

(૧૨)
પ્રકૃતિનો  જે  નિયમ  છે  તે  અવિચળ રહેશે
કામ નહિ  આવે કદી  એ  સદા નિર્બળ રહેશે
જ્યાં  સરોવર  કે  નદી બદલે  હશે  સૂકું રણ
પડશે વરસાદ છતાં ત્યાં  રોજ મૃગજળ રહેશે
-બેફામ

(૧૩)
નમક  છાંટ્યું હશે શાયદ  કોઈએ  દિલના જખ્મો પર
કદાચિત  એટલા  માટે   જ  ખારાં  થઈ  ગયાં આંસુ
જગત સિંધુમાં કેવળ એ  જ  બિન્દુ થઈ શક્યાં મોતી
પડ્યાં જળમાં છતાં જળથી જે ન્યારાં થઈ ગયાં આંસુ
-બેફામ

(૧૪)
જખમ  પર  ફૂંક  મારે   છે  કોઈ   તો થાય  છે પીડા
ઝીલે  જે  ઘાવ  દુનિયાના હવે એવું  જિગર ક્યાં છે?
બિછાવ્યા  તો  નથી  એમાં  ય  કાંટા  કોઈએ  બેફામ
મરણ પહેલાં જરા હું જોઈ લઉં - મારી કબર ક્યાં છે?
-બેફામ

(૧૫)
મને જ્યાં સુખ મળ્યું ત્યાં સાથ એનો દઈ ગયાં મિત્રો,
હસીને  હર્ષનો  હિસ્સો  મળ્યો  તે  લઈ ગયા મિત્રો,
મગર એક જ  દશા પૂરતી હતી  નહિ  એ વફાદારી,
દુઃખી હું  થઈ ગયો  ત્યારેય હર્ષિત થઈ ગયા મિત્રો!
-બેફામ

(૧૬) 
મને કબૂલ છે  મિત્રો,  તમે નિખાલસ છો,
તમારી લાગણી છે  એવો ભાસ તો આપો.
જુઓ છો જેમ  બધાને, મને ન એમ જુઓ,
કદીક  મારા ઉપર ધ્યાન  ખાસ તો આપો.
મર્યા પછી તો  કબર આપશે બધા બેફામ,
મરી શકાય  જ્યાં એવો નિવાસ તો આપો.
-બેફામ

(૧૭)
કરો ન  વાત કે હું આવો છું  ને એવો છું,
કહી દઉં છું હવે  હું જ  કે  હું  કેવો  છું,
નથી હું કોઈ ફિરસ્તો, ઓ  નિંદકો મારા!
હું  માનવી છું,  તમારા બધાય  જેવો છું!
-બેફામ
 
 [પાછળ]     [ટોચ]