[પાછળ] 
     સંપૂર્ણતા હુંથી પરી રહો સદા
સંપૂર્ણતા હુંથી પરી રહો સદા; આનંદ માગુ હું અપૂર્ણતાનો. દમે દમે કૈંક થવા મથી રહું. મથામણોની ન મણા હજો મને. ચડી, પડી, આથડી કાળભેખડે પંજા વડે બાઝી રહી કહીં કદી, ચાલું જરી ગોઠણિયે ટગુમગુ; ડગે ડગે આખડી આખરે લડી રે ટોચ છોને સર ના કરી શકું, મારી રહો મોજ મથામણોની. આકાશમાં તારકજૂથ વચ્ચે ઝૂમી રહ્યું જે લલચાવનારું ઝૂમી રહો તે ધ્રુવલક્ષ ત્યાંનું ત્યાં; એ જોઉં છું એ જ મને ઘણું છે. એ વ્યોમ કેરો ચમકંત, હાથમાં તારોડિયો તોડી મને ન આપશો. એ ધ્યેય તો દૂરનું દૂર છો રહો, આદર્શ આકાશ વિશે જ છો વસો. આધાર આગે ડગ માંડવામાં બની રહે, -ના બસ એટલું કે? માગું: રહો દૂરનું દૂર લક્ષ તો, ઉતારશો ન ધ્રુવને ધરા પરે, સંપૂર્ણતા દૂર રહો; સદા મને હો ઊણપોના ઉકળાટ અંતરે. વિશ્વે હું જે વારસ ચેતનાનો ઊણો છતાં માનવ થૈ રહું; મને અધૂરપોના બહુ ઓરતા; કદી ઓછી મને ના ઉરઓછપો હજો. સંસારના ચાક પર ચઢેલો માટી તણો આકૃતિહીન પિંડ, એમાંથી જે ઘાટ ઘડાય મારો, ન એ હજો પૂર્ણ સુરેખરૂપ કે રહે ન તારે અવકાશ લાડની બેએક મીઠી ટપલી લગાવવા, આત્માધિદેવા, બસ એ જ માગું. (જાન્યુઆરી, ૧૯૪૧) -ઉમાશંકર જોશી
 [પાછળ]     [ટોચ]