ના ઊગતો સૂરજ પૂજવો ગમે
ના ઊગતો સૂરજ પૂજવો ગમે,
ગમે નહીં ચંદનછાંટ છાંટવી,
ના પુષ્પની પાંખડીઓ ઉડાવવી,
એ ઊગતાને પૂજવો કયા મિષે?
ઊગી હજી થાય નભે સમો જ ત્યાં
આવી પડે પૂજન પાત્રતા ય શી?
વ્યક્તિ પ્રતિ પૂજનભાવ પ્રેરવા
શું ઊગવું, જન્મવું પૂરતું કદી?
આભે ઉગીને કિરણો પ્રસારશે,
પ્રાણીતણી એ જડતા વિદારશે,
ને એવું બીજું કરશે ઘણું ય તે–
એ આશ શું પૂજનભાવ પ્રેરતી?
પિછાણના જેમ પડે પ્રસંગો,
જાયે થતી ગુણપરંપરા છતી;
ત્યારે ઘટે પૂજન, અર્ધ્ય, આરતી:
હોતાં હશે આગળથી શું પૂજનો?
ઊગે, ચડે આભ, કરો પ્રસારે,
ને તેજની સંજીવનીની ધારે
સૂતાં જગાડે, પડિયાં ઉઠાડે:
પૂજાર્હતા પ્રાપ્ત પછી જ એ કરે!
-દેવજી રા. મોઢા
|