[પાછળ]
મીંદડી વેરણ થઈ

(ઢાળ - કાચબા કાચબીના ભજનનો)
આદમ તને મીંદડી રે
મધરાતે  વેરણ  થઈ

આદમ તને મીંદડી વેરણ થઈ

પીંજવા આણ્યું બે મણ રૂ ને કપાસિયા મહીં ખૂબ
ઊંદરભાઈ તે  ખાવા રાતરે  આવ્યા  ધૂબાધૂબ

ત્યાં  ઘરમાં  દોટંદોટા  થઈ
આદમ તને મીંદડી વેરણ થઈ

છાપરામાંથી કાણું કરી ત્યાં આવ્યાં બિલ્લીબાઈ
જાળવી માર્યો ભૂસકો તો યે પડી પથારી માંહી

પીંજારણ કૂદવા  લાગી  ગઈ
આદમ તને મીંદડી વેરણ થઈ

દીવાસળીનું ન મળે ઠેકાણું દીવામાં દીવેટ નહિ
આદમ બાપડો રતાંધળો ને પીંજારણ તો રઘવાઈ

નાનો ત્યારે અલિયો ઊઠ્યો ધાઈ
આદમ તને મીંદડી વેરણ થઈ

અલિયે ઊઠી લાકડી લીધી  દોડ્યો રસોડા મેર
ચાર પૈસાની હાંડલી આણી  મેલી'તી ચૂલાની બેડ

અલિયાએ લાકડી ત્યાં ઘુમાઈ
આદમ તને મીંદડી વેરણ થઈ

ઊંદર નાઠા  બિલ્લી નાઠી સમકારો જ્યાં કીધો
બેડ ઉપરની હાંડલી ઉપર અલિયે ફટકો દીધો

બિચારી હાંડલી  ભાંગી ગઈ
આદમ તને મીંદડી વેરણ થઈ

હાંડલી ભાંગી ઘર તો ભાંગ્યું વાસણ ન રહ્યું કંઈ
કાલ શું મેલવું રાંધવા વાસણ ચિત્તમાં ચિંતા થઈ

આદમને  નીંદરા  વેરણ થઈ
આદમ તને મીંદડી વેરણ થઈ

-સુન્દરમ્
[પાછળ]     [ટોચ]