[પાછળ] 
મને તો ગમે મારી સારી કુહાડી

(ભુજંગી છંદ)
પિતાની કુહાડી લઈ બાળ નાનો
બન્યો ભાયડો કોઈ બા'દુર શાણો

કરે ઘાવ કાપે કંઈ ચીજ ભાળે
ગયો ખેલતો ગામ ઝાંપે તળાવે

હલાવ્યું જરા માછલે નીર તાંહી
નિહાળ્યું કંઈ બાળકે પાણી માંહી

ડર્યો બાળ દિલે પડી તો કુહાડી
રડ્યો તે ઘડી ત્યાં બહુ ચીસ પાડી

સુણી સાદ આવ્યાં ભલાં દેવીમાતા
સદા પાણીમાં ઝૂલતાં ને સમાતા

વદે દેવી લે આ રૂપાની કુહાડી
કહે બાળ માતા નથી એવી મારી

બીજી વાર સોનાની લાવી બતાવી
નહિ એ કહે બાળ માથું હલાવી

મને તો ગમે મારી સારી કુહાડી
ભલાં માત દો પાણી માંહેથી કાઢી

(દોહરો)
દેવીએ કાઢી દીધી બોલી બાળક સાથ
સુખ સંપત હો તને મે'ર કરે જગનાથ

-કવિ દલપતરામ ડાહ્યાભાઈ
 [પાછળ]     [ટોચ]