[પાછળ]
મને ગમતાં બે ચિત્ર

જગનાં સહુ  ચિત્રોમાં માત્ર  બે જ મને ગમે :
એક તો એ કે જહીં કોઈ કન્યા, કોઈ કુમારનો
લઈને  પગ  ખોળામાં,  વ્હાલની  ભરતી  ઉરે
આણી,  વદી   મીઠાં  વેણ,  ને  વેણે   વેદના
હરી ને  હળવે  હાથે  કાંટાને   હોય  કાઢતી!

ને બીજું  જ્યાં  કુમાર  એ કાંટાના ભયને પરો
કરી ને  કોમળ  અંગે  ઊંડા  ઊઝરડાં  સહી,
ને  લહી પીલુંડાં  જેવા  લોહીના  ટશિયા કરે,
ચૂંટી પાકાં  ટબા બોર  કન્યાને  હોય આપતો,
ને  ખાધાથી ખવાડીને  ખુશી ઓર મનાવતો!

-દેવજી રા. મોઢા
[પાછળ]     [ટોચ]