દૂધમાં સાકર
સૌ પારસી પૂજક અગ્નિના જે,
ઈરાન છોડે નિજ ધર્મ કાજે;
સમુદ્ર ખેડી ગુજરાત આંગણે,
સંજાણ આવી નિજ ભૂમિ આ ગણે.
સંજાણનો જેહ સુજાણ રાણો
તેની કને દૂત વદંત શાણો:
‘છીએ વિદેશી વસવાટ આપો,
ધર્મી જનોનું નૃપ દુઃખ કાપો!’
રાણો વિચારે તસુ ભોંય છે ના,
વસી નવી કો વસતી શકે ના.
કહ્યું દઈ દૂધ ભરેલ પ્યાલો:
‘ક્હેજે ગુરુને અમ ભેટ આ લો!’
દૂતે જઈ પાત્ર દીધું છલોછલ,
જોઈ વિમાસે ગુરુ શાંત નિશ્ચલ.
ઘડી પછી સાકર થોડી લીધી,
ભરી ભરી મૂઠી ઉમેરી દીધી.
ને પાત્ર એ દૂધનું દૂત સાથે
પ્હોંચાડ્યું પાછું તહીં ભૂપ હાથે.
જોયું નૃપે બિંદુ તૃણેથી ચાખી:
‘રે દૂધમાં સાકર છે શું નાખી?
જા દૂત તારા ગુરુને કહેજે,
થશે તમારો વસવાટ સહેજે.
છે દૂધમાં સાકર આ સમાઈ,
એવા જ રહેજો બની ભાઈ ભાઈ.
છો ગૌર છો ધીર ગંભીર વીર,
મા ભૂમિનું નીવડશો જ હીર.’
વર્ષો હજારેક પછી વહી ગયાં,
છે પારસી ગુર્જરી હીર થૈ રહ્યા.
(૧૯૪૯)
-ઉમાશંકર જોશી
|