[પાછળ]

પશુમાં પડી એક તકરાર

(રાગ ભૈરવી) પશુમાં પડી એક તકરાર, વાદવિવાદ ચલાવા પોતે તુર્ત ભરી દરબાર; અને ત્યાં બેઠાં નર ને નાર. ગાય: કોણ ગુણોની ગણના કરશે ગરીબડી હું ગાય, વાછરડાં વલવલે બિચારાં ને પય બીજાં ખાય; જુલમનો તો પણ ક્યાં છે પાર પશુમાં પડી એક તકરાર કૂતરો: વફાદાર હું પ્રાણી પ્યારું ખાઈ ધણીનું ધાન, હલાલ તેનું નિમક કરું છું મનમાં રાખી માન; રાતદિન સેવા છું કરનાર. પશુમાં પડી એક તકરાર ગધેડો: મૂર્ખ માનવી મને હસે પણ કોણ ઉપાડે ભાર, મણબંધી બોજો લાદે ને ચાલું બિનતકરાર; કહો જન જાણે ક્યાં ઉપકાર? પશુમાં પડી એક તકરાર ઘોડો: તન તોડીને સેવા આપું ખાઉં કદી ના હાર, માલિકને લઈ રસ્તો કાપું કરી પીઠ પર સવાર; કરે છે કોણ કહો દરકાર? પશુમાં પડી એક તકરાર ઊંટ: મુસાફરીમાં માર્ગ કાપવા કરું સફર હું દૂર, મુજ જળ કાજે જીવ લીએ છે કોઈ મુસાફર ક્રૂર; કરું છું મરતાં પરોપકાર. પશુમાં પડી એક તકરાર હાથી: રાજાની અંબાડી કેરો મુજ પર છે આધાર, મુજ પગલાંથી શોભે સવારી દીપે વળી દરબાર; શ્રેષ્ઠ છું પશુમાં હું સરદાર. પશુમાં પડી એક તકરાર બકરો: ન્યાય મળે નિર્દોષને ક્યાં તલ આપું નહિ ત્રાસ, તોય તલ્પે છે ખાવા કાજે માણસ મારું માંસ; બનું છું કસાઈ કરથી ઠાર. પશુમાં પડી એક તકરાર બળદ: મુજ બળથી હળ ખેડૂત ખેડે મુજ પર કુલ આધાર, હું જ ઉપાડું બોજ રોજનો વાહન કે વ્યાપાર; ઘડીનો હોય ન તોય કરાર. પશુમાં પડી એક તકરાર

(દોહરો) ખર બકરો ને બળદિયો ગજ ઘોડો ને ગાય પ્રાણી બિચારાં પારકી આશ પર અથડાય ખોટાં કામે ખલકમાં દંડે જો દરબાર પશુ પંખી પીડતાં કોપે નહિ કિરતાર? -દાદી એદલજી

[પાછળ]     [ટોચ]