હું સિવાય હસ્તી ન કોઈની!
(ગુલબંકી)
હું ઉદાર હું ગંભીર બુદ્ધિમાન સર્વથી
તેજવાન કીર્તિમાન કૈંકવાન કેટલા
ગુણો ગણાવું જ્યાં સમગ્ર ગુણો હુંને વર્યા!
ગફલતી મહીં વદું હું તો ય વેદવાક્ય તે;
સિંહગર્જને શમે જ શબ્દ અન્ય પ્રાણીના;
વેદવાક્ય પાસ અન્ય વાક્ય શી વિસાતમાં?
હું ગુણો રચું, ખચું, હું મૂલ્ય આંકું માનવી,
હું જીવું, જીવાડું અન્ય, હુંથી વિશ્વ સર્વ ધન્ય.
તુચ્છ વિશ્વ તુચ્છ ધર્મ નીતિસૂત્ર તુચ્છ સર્વ,
તુચ્છ છે સમાજ ક્ષુદ્ર વ્યક્તિ તુચ્છ હું ગણું.
હું જ છે વિશાલ, હું મહીં શમાય તે તું સર્વ;
અન્ય ના પ્રતિધ્વનિ ભરંત હું સમગ્ર વિશ્વ.
જીવ હું જ, શિવ હું જ, હું જ આ જગત્ વળી
હું સિવાય કૈં ન આ પરમ્પરા હુંની ખડી.
-ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’ |