[પાછળ]
દુનિયા દીવાની કહેવાશે

દુનિયા  દીવાની   કહેવાશે   ભૂલી   ભીંતોમાં  ભટકાશે

પાપ એનું જ્યારે પ્રગટ થાશે ત્યારે ભુવા-જતિ ઘેર જાશે
ધુણી ધુણી એની ડોક જ  દુઃખશે  ને લેનારો ખૂબ ખાશે
દુનિયા  દીવાની   કહેવાશે   ભૂલી   ભીંતોમાં  ભટકાશે

સ્વર્ગમાં   નથી   સુપડું    નથી   ખાંડણિયો   ને   ઘંટી
દુધ  ચોખા   જમનારા  તમે   કેમ  કરી  જમશો  બંટી
દુનિયા  દીવાની   કહેવાશે   ભૂલી   ભીંતોમાં  ભટકાશે

ઢોંગ કરી ધૂતવાને આવશે ત્યારે હાથ બતાવવા સૌ જાશે
ક્યારે એના કરમનું  પાનું  ફરશે  ક્યારે  સુખ જ  થાશે
દુનિયા  દીવાની   કહેવાશે   ભૂલી   ભીંતોમાં  ભટકાશે

કીમિયાગર  કોઈ આવી  મળે  ત્યારે  ધનને  માટે  ધાશે
ભોજો ભગત કહે ભ્રમણામાં ભમતાં ગાંઠની મૂડી ગુમાશે
દુનિયા  દીવાની   કહેવાશે   ભૂલી   ભીંતોમાં  ભટકાશે
-ભોજો ભગત
ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]