સુરત શહેરની પડતીનું વર્ણન
(રોળા વૃત)
આ તે શા તુજ હાલ, સુરત સોનાની મૂરત;
થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત!
રે હસી ને હસીને રડી, ચઢી ચઢી પડી તું બાંકી;
દીપી તે કુંદનમાં જડી, પડી રે કથીરે ઝાંખી.
કંચન મણિનો દેવ, જેમ વેચાયો કડકે;
સુકુમારો તુજ દેહ, તેમ વેચાયો ભડકે.
નૈન તણા ચળકાટ, પડ્યાં ફૂલાં કહાં આજે!
ભર્યા ગાલના ઠાઠ, પડ્યા કૂવા કહાં લાજે!
ઠર્યા હોઠ જે લાલ, ધ્રૂજે તે ફીકા કાળા;
દાંત તણાતા હાલ, સૂઝે મરવાના ચાળા.
રૂડું અણિયાળું નાક, બેઠું ચાઠાંથી ભાસે;
ગયું હાય રે નાક, નીચું મોઢું નિરાશે.
તેજસ્વી મુખ જેહ, સુરતનું સૂરજ જેવું;
ડરામણું ફીકું તેહ, સુરત તુજ ઘુવડ જેવું.
ગોરું કારમું રૂપ, ખમાં પૂનમ જોવા જેવું;
થયું વેઠતાં ધૂપ, અમાવાસ્યાએ તેવું.
તન પર સૂરખી લાલ, ઊડી રહેતી ચઢતીમાં;
ધૂળ ઊડે છે હાલ, ભૂંડી દુઃખદા પડતીમાં.
-નર્મદ
|