[પાછળ]
પાંદડી

પાંચ વરસની પાંદડી એનો દોઢ વરસનો ભાઈ, પાંદડી ભાઈને રાખે ને માડી નિત કમાવા જાય, ત્યારે પેટ પૂરતું ત્રણે ખાય. ભાઈ હસે ત્યારે બેન હસે ને ભાઈ રડે ત્યારે રોય, ચૂપ રહ્યો હોય ભાઈલો ત્યારે ખોયામાં બેનડી જોય, રખે ભાઈ જાગતો સૂતો હોય. રાણકી સહિયર રમવા આવી પાંચીકા લાવી સાથ, પાંદડીનું મન કૂદવા લાગ્યું સળવળ્યા એના હાથ, રહ્યું એનું હૈયું ન ઝાલ્યું હાથ. ઘોડિયું મેલ્યું ઓરડા વચ્ચે ઊંબરે બેઠી બેય, પગને અંગુઠે દોરડી બાંધી હીંચકા ભાઈને દેય, બરાબર રમત જામી રહેય. વઢતાં વઢતાં બે બિલાડાં દોડતાં આવ્યાં ત્યાંય, બંને છોડીઓ બીની ઊભી ઓસરીએ નાઠી જાય, પાંચીકા બારણાંમાં વેરાય. એક ને બીજું ડગ માંડે ત્યાં પાંદડી ગોથાં ખાય, પગમાં બાંધેલ હીંચકાદોરી નાગણ શી અટવાય, દશા પારણાની ભૂંડી થાય. આંચકા સાથે ખોયું ઊછળ્યું, ઊછળ્યો ભાઈલો માંહ્ય, ઘોડિયે ખાધી ગોથ જમીનપે, ભાઈલો રીડો ખાય, ત્યાં તો મા દોડતી આવી જાય. એકને રમવું, એકને ઊંઘવું, એક કમાવા જાય, બે બિલાડાંને લડવું એમાં કહો શુંનું શું ન થાય? ભલા ભગવાન! આ શું કહેવાય?

-સુન્દરમ્
[પાછળ]     [ટોચ]