[પાછળ]
શાયર છું
જેવો તેવો ય એક શાયર છું, દોસ્ત, હું જ્યાં છું ત્યાં બરાબર છું. શબ્દ છું, ક્ષર નથી, હું અક્ષર છું, યાને હું નિત્ય છું, નિરંતર છું. હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું, જે કશું છું, હું દોસ્ત, અંદર છું. સત્ય છું, શિવ છું, હું સુંદર છું, પરથી પર યાને હું પરાત્પર છું. હું હતો, છું, હજી ય હોવાનો; હું સનાતન છું, હું સદંતર છું. બેધડક પૂછ કોઈ પ્રશ્ન મને; કોઈ પણ પ્રશ્નનો હું ઉત્તર છું. હું છું સંદેશ, ગેબનો સંદેશ; પત્રવાહક નથી, પયંબર છું. ઉન્મત્ત આનંદનો છું હું સાગર; દત્ત અવધૂત છું, દિગમ્બર છું. ધૂર્જટીથી નથી કમ ‘ઘાયલ’, રિન્દાના સ્વાંગમાં હું શંકર છું.
-અમૃત ‘ઘાયલ’
[પાછળ]     [ટોચ]