[પાછળ]
કાળિયા કુંભારનું માણેકડું

કાળિયો  કુંભાર, ઘેર ગધેડાં  છે  બાર,
એમાં એક છેક અડિયલ માણેકડું નામનું;
ખડ ખૂબ ખાય તોય ભાર ઊંચકાય નહિ,
કાળિયાને લાગે નહીં કદી કશા કામનું.

કાળિયો બિચારો કોટિ ઉપાય વિચારે, ડીફાં
દસવીસ  મારે, પણ માને જડ જાત રે?
આખર ઉપાય મળ્યો એક અચાનક જ્યારે
ગાજર  દેખીને  દોડ્યું  માણેકડું  ખેતરે!

લાંબી એક લાકડીને માણેકની પીઠે બાંધી,
લટકાવી દીધાં ચાર ગાજર જ્યાં મોખરે,
લાલચે લોભાઈ દોડે માણેક બિચારું હવે,
રોજ ખેંચે બોજ! પામે ગાજર ના એક રે!

કાળિયાની જુગતીથી લોક બહુ રાજી થાય,
વિમાસું  હું  માણેકનું દેખી મોં દયામણું.
આપણે ન દોડી રહ્યાં ગાજરની લાલચે જ!
કો'કે  લટકાવ્યું  સામે  સપનું  સોહામણું!
(કુમાર ૧૯૫૭)

-વિનોદ અધ્વર્યુ
[પાછળ]     [ટોચ]