[પાછળ]
તજવો ના સંગાથ!

રુદિયાની ઓળખ જેની સાથ, એનો તજવો ના, તજવો ના સંગાથ; મેળવિયો હેતે જેનો હાથ, એનો તજવો ના, તજવો ના સંગાથ. દુનિયાની પારના ઓ ઊજળા હો દેશ, તો યે રજ આ ધરતીની ના તજાય; આવે સૂરજ-ચાંદાના નભથી સંદેશ, તો યે ઘરનો દીવો ના હોલવાય: રુદિયાની ઓળખ જેની સાથ, એનો તજવો ના, તજવો ના સંગાથ; મેળવિયો હેતે જેનો હાથ, એનો તજવો ના, તજવો ના સંગાથ. નાનકડા ઘરનો વાંકોચૂકો હો ઊંબરો, પણ ડુંગર પર વાસ ના વસાય; ઊંચે રે ઊંચે ગાજે મેળો વાદળિયો, તો પણ ઊંધી ગાગર રે ના વળાય : રુદિયાની ઓળખ જેની સાથ, એનો તજવો ના, તજવો ના સંગાથ; મેળવિયો હેતે જેનો હાથ, એનો તજવો ના, તજવો ના સંગાથ. પેલી ગમ પથરાયાં હો વનરાવન ગાઢ, તો યે આંગણની છાંય ના હરાય; વાટે ઘાટે નીરખ્યાં હો લોચનિયે વ્હાલ, તો યે નિજનાં ના વેગળાં કરાય: રુદિયાની ઓળખ જેની સાથ, એનો તજવો ના, તજવો ના સંગાથ; મેળવિયો હેતે જેનો હાથ, એનો તજવો ના, તજવો ના સંગાથ. (કુમાર ૧૯૫૭) -હસિત બૂચ

[પાછળ]     [ટોચ]