[પાછળ]
મોક્ષ જેવું કંઈ છે ખરું?

શાને  કાજે માનવોનાં મન  તલસતાં મૂઢ સ્વાતંત્ર્ય કાજે!
શાને  માટે  છુટવાની  જગતતટથી  વાંચ્છના  ઉર  રાજે!

ક્યાં છે મુક્તિ? કૈ દિશાએ? નજર ચઢતી ના કદી, ભવ્ય ભ્રાંતિ
જ્યાં જ્યાં ભાળે ચક્ષુઓ ત્યાં અતુટ દિસતી બંધનોની પ્રસક્તિ.

છોડી સેવે જંગલો  જો, જગતજનની  મિત્રતા, તું  કદાપિ,
ચારે પાસે તો  છતાં યે નજર પડશે વૃક્ષોની ગાઢ ઝાડી;

ત્યાગીને તે  જો કદી  તું અવનિ પરથી  ઊડશે  અંતરિક્ષે
તોયે  તારો  દેહ આખો  વિંટાઈ જશે  સૂર્ય  કેરા  પ્રકાશે.

અંતે એવા કોક ઉંચા સ્થળ પર જશે તું ન જ્યાં જાય દૃષ્ટિ
તારો કેડો તો છતાંએ, ગગન પ્રસર્યું,  છોડશે  ના  કદાપિ;

ક્યાં  છે  મુક્તિ! વિશ્વ  કેરા  ગહનતલના બંધનાગારમાંથી
ઘેરા  ગાઢા  અંધકારે ભ્રમણ કરતાં આખરી મોક્ષ ક્યાંથી?
(૧૭-૨-૧૯૩૨)

-નલિન મણિશંકર ભટ્ટ
[પાછળ]     [ટોચ]