[પાછળ]
પૂછ એને કે જે શતાયુ છે

પૂછ  એને  કે  જે   શતાયુ છે,
કેટલું  ક્યારે   ક્યાં  જીવાયું છે.

શ્રી  સવા બારણે લખ્યા કર તું,
શબ્દથી  બીજું   શું  સવાયું છે.

આંખમાં  કીકી  જેમ સાચવ તું,
આંસુ  ક્યાં દોસ્ત ઓરમાયું છે.

આપણો  દેશ   છે  દશાનનનો,
આપણો  માંહ્યલો   જટાયુ   છે.

તારે  કાજે  ગઝલ  મનોરંજન,
ને મારે  માટે તો  પ્રાણવાયુ છે.
-મનોજ ખંડેરિયા
ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]
ll ॐ શ્રી ૧ા ll