ડગલું ભર્યું કે પાછું ના હઠવું ના હઠવું
ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું;
વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું.
સમજીને તો પગલું મૂકવું મૂકીને ના બીવું;
જવાય જો નહિ આગળ તોયે ફરી ના પાછું લેવું.
સંકટ મોટું આવી પડતાં મોઢું ન કરવું વીલું;
કળે બળે ખૂબ લડવું પણ ના ફરવું કરવા ઊંધું.
જ્યાં ઊભા ત્યાં ચોંટી રહીને વચન લેવું સબળું;
આભ પડો કે પૃથ્વી ફાટો તોય ન કરીએ નબળું.
ફતેહ કરીને આગળ વધશું અથવા અહીંયાં મરશું;
પણ લીધેલું તે પાળીશું રે વજ્જરનું કરશું.
તજી હામ ને ઠામ મૂકવા ખૂણા જે કો ખોળે;
ધિક કાયર રે અપજશરૂપી ખાળકૂંડીમાં બોળે.
-કવિ નર્મદ
|