[પાછળ]
ઓ ગુજરાત! ઓ ગુજરાત!
(વીરવિજય છંદ)

જય જય મારા ગુર્જર વીરો!
આવો, રંક ફકીર અમીરો! આજે દિવસ છે ઉગ્યો રળિયાત;
ધોધ પ્રકાશ તણા ઝીલીને ઝગમગતી કરવી છે મ્હોલાત.
ઓ ગુજરાત! ઓ ગુજરાત!

હોય હવે વિલંબ શો ઠાલો?
ધપતા ધપતા આગળ ચાલો, અગ્ર રહી ઘુમવું છે આજ;
ધજા રહી છે આ તમ કરમાં, ને ભારતની અમુલખ લાજ!
ઓ ગુજરાત! ઓ ગુજરાત!

ભૂત બધું પાછળ છે મૂક્યું –
આજ ઉરે નવજીવન  ફૂંક્યું, દુનિયા બધે નવી દેખાય;
નવ આશે નવ હાસ્યે ધસવા આજે પાદ અધીરા થાય;
ઓ ગુજરાત! ઓ ગુજરાત!

મુખી પડ્યા કે હઠ્યા પછાડી?
ધસો ધજા લ્યો હાથ ઉપાડી, ફરકાવ્યા જાઓ ધુનભેર;
ધર્મભાવ  શૂરો  જ વહે  ને એક પડે ત્યાં  ઉઠે તેર!
ઓ ગુજરાત! ઓ ગુજરાત!

એવાં ઓ ગુર્જર સંતાનો!
હિન્દુ, પારસી, મુસલમાનો, ખ્રિસ્તી, બૌધ કે જૈન ચહેલ;
ભુજશું ભુજ ભીડીને આવો, એક જ પ્રેમ તણી છે રેલ!
ઓ ગુજરાત! ઓ ગુજરાત!

લોચનના પડદા દ્યો ખોલી!
ભૂત બધાં ઉર ખાતાં ફોલી, તેને પ્રથમ કરો બળહીન;
સ્વાત્મ બળે, ઓ ગુર્જર વીરા! થવું આપણે છે સ્વાધીન!
ઓ ગુજરાત! ઓ ગુજરાત!

રહેવું શુદ્ધ વચન મન કર્મે;
સાર એ જ દીઠો સહુ ધર્મે, તો ક્યમ થઈએ પતિત નિદાન?
પ્રેમ તહીં ધિક્કાર રહે નહિ, ધિક્કારે નહિ પ્રભુનું સ્થાન;
ઓ ગુજરાત! ઓ ગુજરાત!

એવા શુદ્ધ બનીને આવો!
પછી અડગ તમ પગ ઉઠાવો, હજાર હાથીનું ત્યાં જોર;
જય  કુંકુંમનાં  પડશે  પગલાં, ડગલે ડગલે  ઠોરે ઠોર;
ઓ ગુજરાત! ઓ ગુજરાત!

ઓ આ થાય બધે અજવાળાં!
ઉઘડ્યાં પુણ્ય પ્રભાત રસાળાં! ઉઘડ્યાં ભાગ્ય ભલેરાં દેશ!
રણશિંગા ફૂંકાય ફરી આ;  કર્મવીર!  હઠશો નવ લેશ!
ઓ ગુજરાત! ઓ ગુજરાત!

કુંકુંમથાળ અનેરી લાવો!
પત્નીઓ, પુત્રીઓ, આવો!  માતાઓ, ભગિનીઓ સર્વ!
અમ પડખે  ઊભીને રાખો ગરવી  ગુજરાતણનો ગર્વ!
ઓ ગુજરાત! ઓ ગુજરાત!

જય જય મારા ગુર્જર વીરા!
આજ અધીરા ઉરના ચીરા જીવનને જાણે નહિ જોખ;
મરવું  તો  શૂરાને ગરવું, કાયર ખોળે  ઘરના  ગોખ.
ઓ ગુજરાત! ઓ ગુજરાત!

શ્વેત ધજા ભારતમાં રોપો!
થાશે પુષ્પ વરસતી તોપો, શસ્ત્રો સહુ શણગાર સ્વરૂપ;
જગબંધુત્વ ભણી તમ દ્વારે દુનિયા થશે નવીન અનુપ!
ઓ ગુજરાત! ઓ ગુજરાત!

ધન્ય ધન્ય મોહનની લીલા!
પુણ્યભર્યા પ્રભુપાદ રસીલા, ઘરઘર ભરે નવીન પ્રભાત;
સત્વર વીરા! પડો મોખરે, ગજવો જય જય ભારત માત!
ઓ ગુજરાત! ઓ ગુજરાત!

-અરદેશર ફરામજી ખબરદાર
[પાછળ]     [ટોચ]