અમર હમણાં જ સૂતો છે
પવન, ફરકે તો એ રીતે ફરકજે, પાન ના ખખડે!
કોઈને સ્વપ્નમાં માગી, અમર હમણાં જ સૂતો છે.
દવા તો શું હવે સંજીવની પણ કામ નહિ આપે,
જીવનના ભેદને પામી, અમર હમણાં જ સૂતો છે.
મિલન-દૃશ્યો હવે તડપી રહ્યાં છે કરવટો લઈને,
વિરહના રંગમાં રાચી, અમર હમણાં જ સૂતો છે.
ગગન પ્રગટાવ તુજ દીવડા, નહીં લાગે હવે ઝાંખા,
નયનનાં દીપને ઠારી, અમર હમણાં જ સૂતો છે.
ગગનનાં આંસુઓ માયાં નહીં ધરતીના પાલવમાં,
પ્રભાતે જ્યાં ખબર આવી અમર હમણાં જ સૂતો છે.
અમર જીવન છે એવું કે જીવન ઓવારણાં લે છે,
મરણના માનને રાખી, અમર હમણાં જ સૂતો છે.
કહ્યું શત્રુઓએ મિત્રોને, કરો ઉત્સવની તૈયારી,
રહી ના જાય કાંઈ ખામી, અમર હમણાં જ સૂતો છે.
ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા!
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.
ન જાગે એ રીતે ઊંચકી ને એને લઈ જજે, દુનિયા!
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.
ન જાએ કોઈ ખાલી હાથ મારા આંગણે આવી,
અમર એથી મરણ આવ્યું, તો બસ મરવું પડ્યું મારે.
-અમર પાલનપુરી
ક્લીક કરો અને સાંભળો આ ગઝલના થોડા શેર
અમર પાલનપુરીના જ સ્વરમાં
|