[પાછળ] |
થશે શું મુજ મરણ પછી.. (દ્રુતવિલમ્બિત) જઈશ જ્યાં જનમ્યાં સહુએ જતાં પરહરી જગપન્થ તહીં તદા- ભ્રમણ શું ફરતું અટકી જશે? શિથિલ ચક્ર કદી જગનું થશે? ઝરણ શું વહતાં વિરમી જશે? જલધિ ગર્જન ઘોર શું ત્યાગશે? તજી, તરુ-વન-કંદર ભવ્યતા ગ્રહણ કરશે શું કદિ દીનતા? મુરખ! વીચિ અસંખ્ય સમુદ્રમાં લઘુ ગુરૂ નિપજી લય પામતાં; શતસહસ્ર નભે ઉડુઓ ઉગે પળ પ્રકાશી વળી પળમાં ડૂબે; તદપિ વીચિ અસંખ્ય હજી ઉઠે નિપજશે કંઈ કોટિ ભવિષ્યમાં; મુરખ! જો! હજી અંબર તેનું તે ખરી જતાં પણ ના ગણના ઘટે! (૨૧-૧૧-૧૯૩૦) -નલિન મણિશંકર ભટ્ટ |
[પાછળ] [ટોચ] |