[પાછળ]
ગંદા ગોબરાં કુંડમાં શું વસતા શ્યામ?

ગંદા ગોબરાં  કુંડ  છે   ગોઝારા  પ્રભુધામ
લુચ્ચા પંડા બ્રાહ્મણો, ત્યાં શું વસતા શ્યામ?
એક વસ્તુ ન ખાલી છે જ્યાં છે ના ભગવાન
મારા  મનનાં  મંદિરે  કેમ  ન  લેતાં સ્થાન?

પ્રભુ છે કેવા, કોણ છે, ક્યાં છે તેનું ઘરબાર
પ્રભુ  સાથે  ખતપત્રનો  મારે  ના  વ્યવહાર
મારાં અને બીજા તણાં  જોયાં  જે  અવતાર
તે   દેખીને  ઈશનો   માનું   નહિ  ઉપકાર

વાડ  થઈ  ચીભડાં ગળે તે તો નિંદ્ય ગણાય
જન્માવીને જે મારતો   તે વિભુરાય ગણાય
સારી વસ્તુ  સરજી  ને  કરતો  તેની  હાણ
કોણે કહ્યું  કે સર્જજે  આ સૃષ્ટિ ભગવાન?

તું  ને હું  જુદા નથી  શું  તે ખરી છે વાત?
તો પછી તુંને  શોધવા શિદ શોષું  હું જાત?
મારે તું  બનવું નથી  છો  મુજ કષ્ટ અમાપ
મારા શિર પર શેં ધરું હું દુઃખિયાના  શાપ

હું અર્પી દઉં છું ઈશને  જિંદગીના  સૌ કર્મ
ઈશ ન  તે  અપનાવશે  તો  તે ચૂકશે  ધર્મ 
પૈસાદાર  કરી   રહ્યો   પથ્થરને   ધનવાન
પૈસાદાર  કરી   શકે   પથ્થરને   ભગવાન

પાપ  પુણ્ય  વચ્ચે   પ્રભુ  કરે  ન પક્ષાપક્ષ
વક્કર કોઈનો ના  વધે તે ઈશનું  છે  લક્ષ!
સંસારે  જે  કૃત્યને  શાસ્ત્ર   ગણે  છે  પાપ
તે પાપો  થઈ  જાય  છે જરીમાં આપોઆપ

મંદિરમાં  ઉંદર  ગયો  દોડે   મૂર્તિ   ઉપર
ભોગ ધરાવ્યાં  દેખીને ખૂશ  થયો  આખર
મંદિરમાં  દર્પણ  હતાં માંહી  પૂરાયો શ્વાન
પોતાના  આભાસ પર ભસી ગુમાવ્યો જાન

સંતની વાણી  વાંચી  મેં  લીધો  એક  સાર
સંતો જો  મુંગા રહે  તો  જગનો  બેડો પાર
પંથ  જુદો  ભલે  ગ્રહતા  સંસારી  ને  સંત
તે બેઉ  માટે  આખર  મૃત્યુ  એક જ  અંત
 
ખાતો  કાચું  માંસ  જે  પશુમાં  તે  લેખાય
કાચું ધાન્ય  જીભે ગ્રહે યોગીમાં  ખપી જાય
સાચી  વસ્તુ  શોધવા  પંડિત  દે  છે  બોધ
પંડિતને છોડ્યા  વિના સફળ  થશે ના શોધ

ભક્ત ભૂલે છે  સ્વત્વને રામ તણું  લઈ નામ
દારુડિયો  પણ  ભૂલતો  પીને  મદિરા  જામ
મર્યાં પછી  જે સુખ મળે  તેનો ધરીને ખ્યાલ
આજે  તું  તુજ  જિંદગી  કરતો  શેં  બેહાલ

સત્ય તણો  જય દેખવા  મેં જોયો ઈતિહાસ
પણ જોયો ઈતિહાસમાં સત્ય તણો ઉપહાસ
સત્ય કદી  જીતતું નથી, જે  જીતે  તે  સત!
સતને  પણ   કરવું   પડે  પરિણામને   પત

સત્ય  સનાતન છે નહિ સત્ય સદા બદલાય
યુગે   યુગે    તેની   તુલના   જુદી   થાય!
શક્તિશાળી મનુષ્યનો  ના ધરવો  કદી હાથ
સૌને  સેવક  બનાવી  તે બની  બેસે  નાથ!

સુખને  જે  શોધે  નહિ  તેના  દુઃખનો  અંત
સુખ પાછળ  જે  દોડતો  તેને  દુઃખ  અનંત
સરસ્વતીની  લક્ષ્મીથી   પૂજા   કરે   રાજન
સરસ્વતીથી  લક્ષ્મીની   પૂજા   કરે   ચારણ

કોને  માટે   પાથરું  કાવ્યની  કૂણી  બિછાત
ગદ્યની ગુણી  પર સૂઈ  લોક  વીતાવે  રાત!
જન્મી  જીવીને  મરે  જીવડાં  લાખ  અકાળ
સાહિત્યે  તેવી  રીતે  મરતો   કવિતા ફાલ!

-મંગળદાસ જ. ગોરધનદાસ
(મુંબઈ નિવાસી મંગળદાસભાઈએ
જાતે લખી, છપાવી નવેમ્બર ૧૯૫૮માં પ્રસિદ્ધ કરેલા
‘દોહરા સંગ્રહ’ પુસ્તકમાંથી સાભાર)
[પાછળ]     [ટોચ]