અમારો રાહ છે ન્યારો!
મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા;
અમારો રાહ ન્યારો છે તમોને જે ન ફાવ્યો તે!
ગુલામો કાયદાના છો! ભલા એ કાયદો કોનો?
ગુલામોને કહું હું શું ? અમારા રાહ ન્યારા છે!
મને ઘેલો કહી, લોકો! હજારો નામ આપો છો!
અમે મનસૂરના ચેલાં, ખુદાથી ખેલ કરનારા!
નહીં જાહોજલાલીના, નહીં કીર્તિ, ન ઉલ્ફતનાં –
અમે લોભી છીયે, ના! ના! અમારા રાહ ન્યારા છે!
કુરંગો જ્યાં કૂદે ભોળાં, પરિન્દોનાં ઊડે ટોળાં
કબૂતર ઘૂઘવે જ્યાં, અમારા મ્હેલ ઊભાં ત્યાં
લવે બેત નદીઓ જ્યાં, ગઝલ દરખત રહ્યાં ગાતાં
અમે ત્યાં નાચતાં નાગા! અમારા રાહ છે ન્યારા!
તમારા કૃષ્ણ ને મોહમદ, તમારા માઘ, કાલિદાસ
બિરાદર એ બધા મારા, અમારા રાહ છે ન્યારા!
હતાં મહેતો અને મીરાં, ખરા ઈલ્મી, ખરા શૂરા
અમારા કાફલામાં એ મુસાફર બે હતાં પૂરાં!
પૂજારી એ અમારાં, ને અમો તો પૂજતાં તેને
અમારાં એ હતાં માશૂક, અમો તેનાં હતા દિલબર
તમારા રાજદ્વારોનાં ખૂની ભભકા નથી ગમતા
મતલબની મુરવ્વત ત્યાં ખુશામતના ખજાના ત્યાં
હવાઈ મ્હેલોના વાસી, અમે એકાન્ત દુઃખવાદી
અમોને શોખ મરવાનો! અમારો રાહ છે ન્યારો!
-કલાપી |