[પાછળ]
શૂન્યમાં સભરભર્યો અવકાશ

રાત મેઘલી સ્વસ્થચંચલા, નિબિડ ગંભીરા, ઘનઘન એકાકાર.... નહિ તારક કે નથી ચન્દ્રમા, નહિ વિદ્યુત ચમકાર: નિરાલમ્બ નયનોને મળતો નથી કશો આધાર; ગગનમાં ઘનઘન એકાકાર અને મુજ તનમન એકાકાર. ચકિત, થકિત, ઉદ્વિગ્ન, અવાચક મન મારું ગરકાવ, નથી રમ્યતા આજ હૃદયમાં, અને નથી કૈં રાવ. નહિ અસ્તિત્વ તણી અનુસ્યૂતિ, અનસ્તિત્વની નહિ અનુભૂતિ સ્થૂલ દેહ જાણે કે વિગલિત સૂક્ષ્મ દેહ ના દીઠો બિમ્બિત, નથી કશો યે ભાર લાગતો, નથી કશું નિર્ભાર: નિરાલમ્બ આ મનોમંથનનો શૂન્ય સકલ વિસ્તાર. આ ઝરણ રમ્ય, આ સરિત સૌમ્ય, આ અનિલલહર, આ તુંગ શિખર, આ સિન્ધુગર્જના ઘેરી.... જન વન પશુ પંખી, સચરાચર એક પ્રાણ પલકાર બધો સરવાળો લાગે શાને મુજને ભાગાકાર? સ્વજનોની ભાવુક આસક્તિ, પ્રિયજનની ઉષ્માંકિત ભક્તિ, અને વિશ્વમાં સિવાય સૌની સાવ વિરક્તિ– સંમોહક શો પ્રતીત થતો સ્વપ્નભર્યો સંચાર! નિરાલમ્બ આ મનોનયનનો શૂન્ય સકલ વિસ્તાર. સ્થિતિ ગતિ કાલ અને લયથી જે દીસે સમાવૃત, દીસે અનાવૃત, એવા કલિત છતાં અકલિત આ અનુભવ કેરો કેવો છે આશ્લેષ! સ્તબ્ધ તરંગિત મૌન, મૌનનો નિગૂઢ પદઝંકાર: નિરાનંદ આ મનોદશા, કંઈ કરી ને જવું ચહે પામવા સ્વપ્ન સત્યનો પાર. નિરાલમ્બ નયનોને મળતો નથી કશો આધાર. દિશાશૂન્યતા ડસી રહી છે, ગ્રસી રહ્યો અંધાર હું લાગું છું સભાન મુજને શૂન્ય દીસે સાકાર: હું રૂપે છે કોક તત્વ, જે નથી અદેહી નથી સદેહી; નથી કશો આરંભ સૂઝતો, નહિ ઈતિનો આભાસ: અનંત કેવું વ્યાપ્ત અગોચર આ કેવો અણસાર! નિરાલમ્બ આ મનોનયનનો શૂન્ય સકલ વિસ્તાર. ત્યાં ઓચિંતી ઘનગર્જનથી, વિદ્યુલ્લેખાના નર્તનથી તૂટી તન્દ્રા.... અને ઋચા કો પ્રગટી ચન્દ્રા: એ શ્રૂતિએ મુજ પંચ પ્રાણમાં કીધો પુનિત પ્રવેશ– અને કહ્યું કે– શાને થાય ઉદાસ, અરેરે, શાને બને હતાશ? શૂન્યમહીં ના શૂન્ય, શૂન્યમાં સભરભર્યો અવકાશ ને અવકાશમહીં અભરંભર મબલખ મંગલ આશ: શૂન્યનો શૂન્ય નથી અવશેષ, શૂન્યનો અભિનવ છે ઉન્મેષ! (સંસ્કૃતિ ૧૯૫૯)

-વેણીભાઈ પુરોહિત

[પાછળ]     [ટોચ]