ઓ ઈશ્વર ભજીએ તને
ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઈએ થાય અમારાં કામ
હેત લાવી હસાવ તું સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ
ઓ ઈશ્વર તમને નમી માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને સુખમાં રાખો સાથ
મન વાણી ને હાથથી કરીએ સારાં કામ
એવી બુદ્ધિ દો અને પાળો બાળ તમામ
ઓ ઈશ્વર તું એક છે સર્જ્યો તે સંસાર
પૃથ્વી પાણી પર્વતો તેં કીધા તૈયાર
તારા સારા શોભિતા સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તેં રચ્યાં જબરું તારું જોમ
અમને અદકાં જ્ઞાન ગુણ તેનો તું દાતાર
બોલે પંખી પ્રાણીઓ એ તારો ઉપકાર
કાપ ક્લેશ કંકાસ ને કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કરી કાપ કષ્ટ સુખ આપ
-અજ્ઞાત
ક્લીક કરો અને સાંભળો
આ પ્રાર્થના ફાલ્ગુની દલાલ અને સાથીદારોના સ્વરમાં
|