સંગમાં રાજી રાજી!
સંગમાં રાજી રાજી
આપણ એક બીજાના સંગમાં રાજી રાજી
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ
નેણ તો રહે લાજી
આપણ એક બીજાના સંગમાં રાજી રાજી
લેવાને જાય ત્યાં જીવન આખુંય તે ઠલવાય
દેવાને જાય, છલોછલ ભરિયું શું છલકાય
એવી એ આપલેને અવસરિયે પાગલ
કોણ રે કહે પાજી સંગમાં રાજી રાજી
આપણ એક બીજાના સંગમાં રાજી રાજી
વીતેલી વેળની કોઈ આવતી ઘેરી યાદ
ભાવિનાં સોણલાંનોયે રણકે ઓરો સાદ
આષાઢી આભનાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી સંગમાં રાજી રાજી
આપણ એક બીજાના સંગમાં રાજી રાજી
-રાજેન્દ્ર શાહ
ક્લીક કરો અને સાંભળો
નિરુપમા અને અજિત શેઠના સ્વરમાં
આ સુંદર રચનાઃ
|