ના હિન્દુ નીકળ્યાં
ના હિન્દુ નીકળ્યાં ન મુસલમાન નીકળ્યાં
કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યાં
સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં
જો નીકળ્યાં તો સાથે લઈ જાન નીકળ્યાં
તારો ખુદા કે નીવડ્યાં બિન્દુય મોતીઓ
મારાં કરમ કે આંસુઓ તોફાન નીકળ્યાં
એ રંગ જેને જીવ સમા સાચવ્યાં હતાં
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યાં
મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર
કિન્તુ કરાર ક્લેશનાં મેદાન નીકળ્યાં
કરતા હતા પહાડનો દાવો પલાશ પણ
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં
હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં
-અમૃત ‘ઘાયલ’
|