[પાછળ] 
બે અશ્વનું આખ્યાન!

હરિગીત
યોગી  પ્રભાતે  સ્નાન  સેવન  કર્મથી  પરવારીને,
મીઠા  સુરંગિત  આમ્રફળને,  હસ્તમાંહી  ધારીને;
આરોગતો આસ્વાદથી ત્યાં શિષ્ય એક પ્રવેશીઓ,
સંજ્ઞા કરી ગુરુએ  અને  નિજ શિષ્યને બેસાડીઓ.

દિંડી
થતાં ગુરુ સ્વસ્થ વિનીત શિષ્ય બોલ્યો,
પ્રશ્ન  નમ્ર  કર્યો  ‘સ્વામી ! ભેદ ખોલો;
આપ  ખાઓ  કેમ  સ્વાદથી  ફળોને?
નહિ  એવું   ખાનપાન   તો  ઘટે  છે!

હરિગીત
સાધુ અને સહુ મહાજનો કહે છે ન ભોગવવું અને,
જગ ત્યાગી રહેવું  એકલા ખાવું  ન પીવું ચાહીને;
વ્રત  દેહ દમન  તપો  અને  એવાં  કરીને  કાર્યને,
ઉપવાસ  આચરવા  સદા વિજયી થવું  ઈન્દ્રિ પરે.

અનુષ્ટુપ
કહે  આત્મા  તણું  થાયે,  ઉપવાસ  જ  ભોજન,
ત્યાગી ભોગો, બનો ત્યાગી,  કરો ના ભોગનું મન.

દ્રુતવિલંબિત
પરમ પૂજ્ય!  વિરુદ્ધ  તમે કરો,
ફળ થકી ભૂખ તૃપ્ત પૂરી કરો;
ગુરુ પ્રયોજન  તેનું  મને  કહો,
ગરીબ દાસ પરે  કરુણા  કરો.’

વસંતતિલકા
મીઠું  શુચિ  સ્મિત  કરી  ધીમું  તે ગુરુએ,
આપ્યો  જવાબ  પ્રિય શિષ્ય ભણી ફરીને;
‘વિશ્વેશથી  મળ્યું વીરા!  નવ ભોગવું કાં?
તે  માટે  તો  અનુગ્રહો  પ્રભુના લહું  હા!’

હરિગીત
‘હય  હસ્તિનાપુરમાં  હતા બે  એક ધનીના ઘર વિશે,
સરખા  ઊંચા  બળવાન  ઉત્તમ  શોભિતા તે બે દિસે;
દૂર  દેશમાં  કો  રાયને   દેખાડવા   તે   લઈ  જવા,
એ વેચી  બહુ ધન પ્રાપ્ત કરવાની કરી  ધનીએ સ્પૃહા.

અનુષ્ટુપ
ધાન્ય  લીધું  ધનીએ  તે માર્ગ  ખોરાકીને  કૃતે,
વૃક્ષ નીચે જતાં સ્તંભ્યા  જરા વિશ્રાંતિ કાજે તે;
અશ્વ બન્ને  બધું  જાણે  દૂર  દેશ  જવા  વિશે,
સ્વામિએ ધાન્ય આપ્યું છે  ખાવા તે બેઉ અશ્વને.

હરિગીત
એ ધાન્ય નીરખી  એક અશ્વે ધારીયું મન માંહી રે,
હું બહુ નહિ આરોગું એ, રાખીશ લેશ જ ખાઈને;
મુજ સ્વામિને નહિ ખર્ચવા દઉં હું  કંઈ મારા કૃતે,
જે આપશે તે રાખીશ બાકી  લાભ દાતા થઉં ખરે.

અનુષ્ટુપ
વિચારીને ચિત્તે એવું, એક અશ્વે ન ભોગવ્યું,
અન્ય અશ્વે  જુદી રીતે, વિરુદ્ધ તેથી આચર્યું.

હરિગીત
બીજે  વિચાર્યું  સ્વામીએ  આપેલું  સર્વે  ભોગવું,
શા કાજ ત્યાગું, પ્રેમથી  એણે  મને જે આપીયું?
કરું ભોગવી સેવા  હું સ્વામીની પૂરા બળથી અને,
જે સ્થાનમાં એ લઈ જવા ઈચ્છે  પહોંચું તાંહી રે.

તોટક
યદિ  ભોગવું  ના   ઉપવાસ કરું,
થઈ શક્તિથી હીન  ન સ્થિર ઠરું;
વચમાં  અરધે  અટકી   હું  પડું,
મુજ સ્વામિનું  ઈચ્છિત કેમ કરું?

એકત્રીસા સવૈયા
પહેલાએ નવ આરોગ્યું  કંઈ  લેશ  લઈ  મૂક્યું શેષ બધું,
બીજાએ  શક્તિપૂર   પૂરતું   ક્ષુધા  તૃપ્ત  કરવા   ખાધું;
પ્રથમ  પડ્યો   અરધે  પંથે   ને  સ્વામીને નુકશાન  કર્યું,
અન્ય પહોંચીઓ ઈચ્છિત સ્થાને ધનીનું મનનું માન્યું થયું.

હરિગીત
ઓ શિષ્ય વહાલા!  એ રીતે સમજી પૂરી આ કથનીને,
શીખ  કોણ   કર્તવ્યો  કરે  પૂરી   રીતે   સાચે   મને;
જે  જે   મળ્યું  વિશ્વેશથી   તે   ભોગવી  કર્મો   કરો,
નહિ તો પ્રથમ હય તુલ્ય  અરધા માર્ગમાં અટકી જશો.

સ્વામી   થયો  ના તુષ્ટ   લેશે  અશ્વના  વર્તન  થકી,
ને  પૂર્ણ  તુષ્ટ  બન્યો  બીજા  તે  અશ્વના  કાર્યે  કરી;
એણે  ન વ્રત  કે  લાભ  દેવા  આશ  કંઈ મનમાં કરી,
પણ  માત્ર  સ્વામીસેવની  ઈચ્છા   પૂરી   હૃદયે  ધરી.

અનુષ્ટુપ
શિષ્ય મારા  કહ્યું સર્વે,  લહ્યું ચિત્તે તું ધારજે,
વિશ્વના સ્વામીની સેવા ઉચ્ચ તે વૃત્તિ ધારજે.’

આસો માસો
વહાલા વાચક!  આપ્યું પ્રભુએ ભોગવી,
કર્તવ્યો   કરવાં   જે   સોંપે  સ્વામીશ્રી;
ઉચ્ચ  અભિલાષા  મનમાં  ધારી  અને,
જે  માર્ગે  પ્રભુ  દોરે  ત્યાં  દોરાઓ  રે.
(તા. ૧૦-૧૦-૧૯૦૯)

-સુમતિ લલ્લુભાઈ શામળદાસ
(૧૮૯૦-૧૯૧૧)
 [પાછળ]     [ટોચ]