 તારા નામમાં ઓ સ્વતંત્રતા
તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આ શી વત્સલતાભરી!
મુરદા મસાણથી જાગતાં તારા શબ્દમાં શી સુધાભરી!
પૂછી જોજો કોઈ ગુલામને
ઊઠ્યા કેવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગળ જે દિને
એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન’ શી અહો સુખની ઘડી
એની આંખ લાલમલાવ છાતીમાં છોળો છલકાઈ પડી
એને ભાન મુક્તિતણું થયું
એનું દૈન્ય ક્યાં ટપકી ગયું
એનું દિલગુલાબ ઝૂલી રહ્યું
એના મસ્તકે નમવાનું ભૂલી આભ શું માંડી આંખડી
એની ઊર્મિ રાંક મટી રૂડા જગબાગમાં રમવા ચડી
પડું કેદખાનાંને ઓરડે
લટકું યે ફાંસીને દોરડે
લાખો ગોળી તોપતણી ગડે
તારો હાથ હોય લલાટ તો ભલે આવે જુલ્મ તણી ઝડી!
તારું નામ હોય જબાન તો શી છે ભીતિ ઓ મારી માવડી!
મારા દેશના સહુ શોષિતો
દુનિયાના પિડીતો તાપિતો
ખૂણે ખૂણે ગાય તારા ગુણો
એના ભૂખ્યા પેટ છતાં એને કેવી મોંઘી તું કેવી મીઠી!
એના બેડી બંધન તુટશે એવી આશે ખલ્ક બધી ખડી!
-ઝવેરચંદ મેઘાણી
ક્લીક કરો અને સાંભળોઃ
Tara_Naam_Man-Sejal_Mankad_Vaidya-Zaverchand_Meghani.mp3
(Audio Clip Source : http://prarthnamandir.wordpress.com)
|