હોળી મહિનાની વિજોગણ
આગળ મોર્યાં મોગરા ને પછવાડે ગલગોટ,
સવળા વાતા વાયરા, એની અવળી વાગે ચોટ!
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
ખીલ્યાં કેસુ ખાખરે, એની વગડે વગડે આગ,
ફૂલડે ફૂલડે ફરી વળે મારું મન જાણે મધમાખ!
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
હોળી મહિનો હુલામણો, ઘેર નારી બાળે વેશ,
હું પૂછું નિર્દે નાવલા! તને કેમ ગમે પરદેશ?
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
રાતે વસમી ચાંદની ને દા’ડે વસમી લૂ!
વસમી વિરહની શારડી, મન વિચાર કરજે તું
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?
-બાલમુકુંદ દવે
ક્લીક કરો અને સાંભળો
દિલીપ ધોળકીયાના સુંદર સ્વરાંકનમાં
મીઠી હલક સાથે કરાયેલી
ફાલ્ગુની શેઠની સુરીલી રજૂઆતને
(સંગીત ભવન ટ્રસ્ટનું આલ્બમઃ ‘સપના લો કોઈ સપના’)
|