[પાછળ]
જીવન મરણ છે એક

મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં      
     ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે
જનાજો જશે તો જશે કાંધે કાંધે      
     જીવન પણ ગયું છે સહારે સહારે

જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું, હું તેથી જીવંત છું.
ખુશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું, હું તેથી  અનંત છું.
બંને દશામાં શોભું છું – ઝુલ્ફોની જેમ હું,
વીખરાયેલો કદી  છું, કદી તંતોતંત છું.

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુદ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું.
રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું ‘મરીઝ’,
ને આમ જોઈએ તો  ન સાધુ ન સંત છું.
-મરીઝ
ક્લીક કરો અને સાંભળો
જગજીતસિંઘના કંઠે આ ગઝલઃ

અને સાંભળો હેમા દેસાઈની અનોખી રજૂઆતઃ

[પાછળ]     [ટોચ]