[પાછળ]
હા, આ ઘર છે!

હા, આ ઘર છે.
ના ફક્ત આ ઈંટ-પત્થરનું ચણતર છે,
ધબકતું ખરેખર એમાં માનવ-જીવતર છે,
થતું એમાં સંસ્કાર-સંસ્કૃતિનું ઘડતર છે,
રાજી થઈને સાથે રહેતો અહીં ઈશ્વર છે.
હા, આ ઘર છે.

અહીં મતભેદ હોવા છતાં સૌ એક છે,
અલગ અલગ પ્રવૃતિ સૌની પણ નેક છે,
‘કુળ પરંપરા સાચવશું’ એ અડગ ટેક છે,
‘હું નહિ પણ આપણે’ આ સમજણની અસર છે.
હા, આ ઘર છે.

માન મર્યાદા સૌના ખરેખર જળવાય છે બહુ,
છતાં ખબર ન પડે કે આમાં કોણ દીકરી? કોણ વહુ?
ભોજન ને ભજન ભાવથી સાથે મળી કરે સહુ,
અતિથિનો થતો અહીં ખૂબ અદકેરો આદર છે.
હા, આ ઘર છે.

-ડૉ. નટુભાઈ પ્ર. પંડ્યા
[પાછળ]     [ટોચ]