[પાછળ]

મરે કોઈ ને કોઈને ઉજાણી

છે બલિહારી તારી, ઓ દોરંગી દુનિયા, મરે કોઈ ને કોઈને છે ઉજાણી; ખપે યુદ્ધમાં કો'ક વીરલો અડીખમ, અને ઘેર બેઠાં રળે કો'ક લ્હાણી; કોઈ જિંદગીભર રુધિર સિંચતું ને કોઈ હેમથાળે હિંડોળે જમે છે; મફતમાં શહાદત મળે કો'કને, ને કોઈ યાતનાઓ અમસ્તી ખમે છે! જુઓ તો ખરા, આ જગત કેરી લીલા: કોના સ્મારકો? કોના નામે ચણાતાં! ઘટે ભૂલવાં તેની ખોડાય ખાંભી, અને ખાંભી-જોગાના નામો ભૂંસાતા! કોઈના તપે, કોકને ઈન્દ્ર-આસન, કોઈની ભૂલે, કોકનાં શિર કપાતાં; કબર કો'કની, ને દટાયાં કો બીજા, ત્રીજા કો' મુજાવર બનીને પૂજાતાં! હું તો સ્મારકો દેખી આભો બનું છું; કોના ચહેરા નીચે કોની કાય ભાળું! દિસે કેસરી સિંહની કો'કની મૂર્તિ, ને ભીતર હું રેંસાયેલી ગાય ભાળું! ઠેકન્તા તોખારે તલવાર લઈને છો બેઠા: હું તો માટીના પાય ભાળું!
-કરસનદાસ માણેક
[પાછળ]     [ટોચ]