[પાછળ]
મનજી! મુસાફર રે!

મનજી! મુસાફર રે! ચલો નિજ દેશ ભણી!
મુલક ઘણા જોયા રે! મુસાફરી થઈ છે ઘણી!
 
સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભૂલતા ભાઈ!
ફરીને મારગ મળશે નહિ, એવી તો છે અવળાઈ,

સમજી ચાલો સુધારે, ના જાશો ડાબે કે જમણી
મનજી! મુસાફર રે! ચલો નિજ દેશ ભણી! 

વચ્ચે ફાંસીઆ વાટ મારવાને બેઠા છે બે ચાર,
માટે વળાવિયા રાખો બે ત્રણ ત્યારે તેનો નહીં ભાર,

મળ્યો એક ભેદુ રે કહે તે ગતિ સહુ તે તણી.
મનજી! મુસાફર રે! ચલો નિજ દેશ ભણી! 

હવે માલ વહોરો તો વહોરો શેઠના
નામનો, થાય ના ક્યાંય અટકાવ,

આપણો કરતાં જોખમ આવે
ને  ફાવે  દાણીનો  દાવ,

એટલા સારું રે! ના થાવું વહોતરના ધણી.
મનજી! મુસાફર રે! ચલો નિજ દેશ ભણી!
 
જોજો, જગ થકી જાવું છે, કરજો સંભાળીને કામ,
દાસ દયાને એમ ગમે છે – હવે જઈએ પોતાને ધામ,

સૂઝે છે હવે એવું રે! અવધ થઈ છે આપણી!
મનજી! મુસાફર રે! ચલો નિજ દેશ ભણી!

-દયારામ
[પાછળ]     [ટોચ]