[પાછળ]
नमामि तम् निर्भयम् उर्ध्वमानुषम्!

‘न मानुषात् श्रेष्ठतरं हि किञ्चित्।’ મનુષ્યથી ના અદકું કંઈ જ. મનષ્યમાંયે શિર જેનું ઊર્ધ્વ, મૂર્ધન્ય તે. છે જોયું કો મસ્તક ઊર્ધ્વ? નામતું- પ્રણામતું સર્વ ચરાચરોને તે સંચરે; પ્રેમજળે પખાળતું કો મૂઢ સત્તાજડ દંડધારકે ઉદ્દંડ વા ધર્મ-તજ્યા અરાજકે કરેલા ઘા સમાજ દેહે; સ્નેહાર્દ્ર દૃષ્ટે દુરિતો શમાવતું. પદે પદે અંતર પ્રાર્થતું રહે: વસુંધરા, હું વસુ એક યાચું – દે ક્ષાન્તિ તારી, શમમાં હું રાચું. હે પર્વતો, હે નભ, હે મહાવનો, નદી-નદો, હે રણ, હે મહાર્ણવ, નમું તમોને! પશુ-પંખી-ઉદ્‌ભિદ! નમું! ન જાણું તમને હું તેવો, મનુષ્યને કૈંક હું જાણું જેવો. મનુષ્ય મેં તેથી જ કૈંક સેવ્યો. આવી ચડે જો પ્રભુ! તું કદીક, તો આવજે તું થઈને મનુષ્ય. – મનુષ્યતાને નવ આંચ આવે કહીંયથી, વત્સલ એમ વર્તતા, ને વાસના કે ભય ના નમાવી શકે જ જેને, नमामि तम् निर्भयम् उर्ध्वमानुषम्!

-ઉમાશંકર જોશી (નોંધઃ આ કવિતા પૂજ્ય રવિશંકર મહારાજના ૭૫ વર્ષની પૂર્તિ પ્રસંગે ઈ.સ. ૧૯૫૯માં મહાશિવરાત્રિના રોજ અમદાવાદમાં લખાઈ હતી.)

[પાછળ]     [ટોચ]