(અંજની ગીતો)વાંસતણી એક ભૂંગળી લઈને
કવિતા એમાં મૂકી દઈને
વ્હેતા જળમાં તરતી મૂકું
ક્યા હાથે પડશે?
અધવચ્ચે એ ડૂબશે કે શું?
કોઈ સુધી એ પૂગશે કે શું?
અક્ષર એના ઊગશે કે શું?
કાંઈ ના જાણું હું!
* * * *
વરસો બાદ ફરી ઘર ધોળ્યું.
ડોલર ફૂલ સમું શું કોળ્યું!
અનરાધારે વરસ્યું જાણે -
રૂપું પૂનમનું!
બા'રેથી આવી જ્યાં જોયું
જોતાં લાગ્યું સઘળું ખોયું
ભીંતો સાથે ધોળાઈ ગયો
થાપો કંકુનો!
* * * *
આ ઘરની ભીંતો ને ઝાંપો,
એને એવો ધક્કો આપો
આઘે દૂર ક્ષિતિજે સ્થાપો
ત્યાર પછી જુઓ!
ઘરની આ સંકળાશ ન રહેશે
ઓછો કૈં અજવાશ ન રહેશે
ગૂંગળામણના શ્વાસ ન રહેશે
ત્યાર પછી જીવો!
* * * *
અર્થો-બર્થો, હેતુ-બેતુ,
સમજણ માટે બાંધ્યા સેતુ.
સર્વ સમજદારોને ત્યાંથી
જાવાનું રહેતું!
જ્ઞાની, આપ ઉપરથી ચાલો,
સેતુ પર મોજેથી મહાલો!
અમને અલ્પમતિને જળનો
આ મારગ વ્હાલો!