[પાછળ]

મોસમ આવી મહેનતની

સોનાવરણી સીમ બની મેહુલિયે કીધી મ્હેર રે ભાઈ! મોસમ આવી મહેનતની નદિયુંના જલ નીતર્યાં લોકોમાં લીલાલ્હેર રે ભાઈ! મોસમ આવી મહેનતની લીલો કંચન બાજરો ને ઊજળો દૂધ કપાસ રે ભાઈ! મોસમ આવી મહેનતની જુવાર લોથે લૂમેઝૂમે ને હૈયામાં હુલ્લાસ રે ભાઈ! મોસમ આવી મહેનતની ઉપર ઊજળાં આભમાં કુંજડિયુંના કિલ્લોલ રે ભાઈ! મોસમ આવી મહેનતની વાતા મીઠાં વાયરા ને લેતા મોલ હિલોળ રે ભાઈ! મોસમ આવી મહેનતની લિયો પછેડી દાતરડાં આજ સીમ કરે છે સાદ રે ભાઈ! મોસમ આવી મહેનતની રંગેસંગે કામ કરીએ થાય મલક આબાદ રે ભાઈ! મોસમ આવી મહેનતની લીંપીગૂંપી ખળાં કરો લાવો ઢગલેઢગલા ધાન રે ભાઈ! મોસમ આવી મહેનતની રળનારો તે માનવી ને દેનારો ભગવાન રે ભાઈ! મોસમ આવી મહેનતની
-નાથાલાલ દવે
[પાછળ]     [ટોચ]