મારું ખોવાણું રે સપનું!
(૧)
મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
મારું ખોવાણું રે સપનું.
પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’ છે ચોર આ વસ્તી, પર્વત કે’ છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવાણું રે સપનું.
વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો મારા શમણાંની એંધાણી,
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવાણું રે સપનું.
ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી,
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનું-છપનું,
મારું ખોવાણું રે સપનું.
- ગની દહીંવાળા
|
લે કાળ! તને સંતોષ થશે
(૨)
લે કાળ! તને સંતોષ થશે હું તારે ઈશારે ચાલું છું,
જીવનની સફર પૂરી કરવા તલવારની ધારે ચાલું છું.
ચોમેરથી થપ્પડ મારે છે તોફાનનાં ધસમસતાં મોજાં,
લોકોની નજર તો નીરખે છે, હું શાંત કિનારે ચાલું છું.
ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાઓ,
કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું.
છે નામનો આ ગૃહસ્થાશ્રમ પણ ઠરવાનો વિસામો ક્યાંય નથી,
જ્યાં થાક જીવનનો લાગે છે હું તેમ વધારે ચાલું છું.
થાકીને ઢળી જ્યાં દેહ પડે, બસ ત્યાં જ હશે મંઝિલ મારી,
એથી જ હું નિજને થકવું છું, બસ એ જ વિચારે ચાલું છું.
સંકટ ને વિપદના સંયોગો! વંટોળ ને આંધીના દૃશ્યો!
સોગંદથી ક્હેજો, હું તમથી ગભરાઈને ક્યારે ચાલું છું?
ઓ સૂરજ, ચંદ્ર, સિતારાઓ! ઓ આકાશે ફરનારાઓ!
આ ધરતી પર ચાલી તો જુઓ, જ્યાં સાંજ-સવારે ચાલું છું.
વ્હેતી આ સરિતા જીવનની, સુખ-દુઃખ એના બે કાંઠાઓ,
લઈ જાય છે મારું ભાગ્ય ‘ગની’, હું એક કિનારે ચાલું છું.
(૩૦-૯-૧૯૪૯)
- ગની દહીંવાળા
|
તમે આકૃતિ હું પડછાયો
(૩)
તમે આકૃતિ હું પડછાયો, તેજ મહીંથી છું સર્જાયો,
તમે આકૃતિ હું પડછાયો, તેજ મહીંથી છું સર્જાયો.
તમે વિહરનારા અજવાળે, હું એથી બડભાગી,
ભમું ભલે આગળ પાછળ પણ રહું ચરણને લાગી.
શીતળ જળ કે તપ્ત રણે જઈ તમે ઊભા ત્યાં હું પથરાયો,
તમે આકૃતિ હું પડછાયો, તેજ મહીંથી છું સર્જાયો.
રાત દિવસના ગોખે દિવડા નિજ હાથે પ્રગટાવો!
એથી અદકું ઓજસ લઈને અહીં વિહરવા આવો.
લખલખ તેજે નયન ઝગે તમ, કાજળ થઈને હું અંજાયો,
તમે આકૃતિ હું પડછાયો, તેજ મહીંથી છું સર્જાયો.
આંખ સગી ના જોઈ શકે જે, એવી અકલિત કાયા,
આ ધરતી પર સર્જન રૂપે હું જ તમારી છાયા.
પ્રશ્ન મૂંઝવતો આદિથી જે, આજ મને સાચો સમજાયો!
તમે આકૃતિ હું પડછાયો, તેજ મહીંથી છું સર્જાયો.
- ગની દહીંવાળા
|
જિંદગીનો સાચો પડઘો
(૪)
જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.
માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં,
જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે.
એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.
જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો,
બીજરૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે!
શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે.
જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.
- ગની દહીંવાળા
|
જવાબ દેને ક્યાં છે તું?
(૫)
જવાબ દેને ક્યાં છે તું ઓ મારા દિલની આરઝૂ!
સતાવ ના બહુ થયું, ઓ મારા દિલની આરઝૂ!
હૃદયમાં તારી આશને જ જોઈ જા, મને ન જો,
નજરમાં તવ તલાશને જ જોઈ જા, મને ન જો,
કહો તો ‘હું’ ન ‘હું’ રહું, તું આવ મારી રૂબરૂ,
જવાબ દેને ક્યાં છે તું ઓ મારા દિલની આરઝૂ!
વહન સમયનું બંધ છે, ન આજ છે ન કાલ છે,
તને ખબર શું! કોઈના જીવનનો આ સવાલ છે,
જગતમાં તું ન હોય તો જગતથી હું જતો રહું,
જવાબ દેને ક્યાં છે તું ઓ મારા દિલની આરઝૂ!
બધું ય હું ગુમાવીને કહીશ કે બધું જ છે,
હૃદયમાં તારી યાદ છે તો માની લઈશ તું જ છે,
તું સાંભળે ન સાંભળે, હું સાદ પડતો રહું,
જવાબ દેને ક્યાં છે તું ઓ મારા દિલની આરઝૂ!
વિરહની કોઈ પળ મિલનના પંથ પર વળી જશે,
યકીન છે મને હૃદયની આરઝૂ મળી જશે,
કહે છે, શોધનારને મળે છે આ જગે પ્રભુ,
જવાબ દેને ક્યાં છે તું ઓ મારા દિલની આરઝૂ!
- ગની દહીંવાળા
(નોંધઃ ‘જવાબ દેને ક્યાં છે તું?’ શિર્ષક ધરાવતી અને
તલત મહેમૂદના સ્વરમાં ૧૯૬૧માં રેકોર્ડ થયેલી રમેશ ગુપ્તાની આવી જ
એક ગઝલ ગીત-ગુંજન વિભાગ-૧માં ક્રમાંક ૧૬૪
પર રજૂ કરવામાં આવી છે તે પણ સાંભળવા જેવી છે.)
|