[પાછળ]

નમું નમું હો બાળસ્વરૂપ

મુખ મનહરણું સાવ સરળ ને મીઠી આંખલડી તેજાળ કૂમળું અંગ ગુલાબ કળી સમ સોનેરી ભુરા શિર વાળ નિર્મળ સુંદરતા રસરૂપ નમું નમું હો બાળસ્વરૂપ ઊભરાતી તન હર્ષખુમારી મુખડું મલકે મંદ મધુર હસતાં ખાડાં પડે ગાલમાં મીઠી ઘંટડી સરખો સૂર કિલોળનો છલકાતો કૂપ નમું નમું હો બાળસ્વરૂપ ઘુઘરે ઘમઘમતો કંદોરો કમર ઉપર લપેટાઈ રહ્યો ઝાંઝરીઓનો ઝમકારો શાં સંગીત ચરણે ગાઈ રહ્યો રમવું ને રડવડવું ખૂબ નમું નમું હો બાળસ્વરૂપ યોગીજન સમ દૂધાધારી કાંતિ નગ્ન દિગંબરની અવધુત સરખું અંગ અહાહા! પ્રેમળતા પેગંબરની જીવન જગમાં અજબ અનુપ નમું નમું હો બાળસ્વરૂપ વિશાળ ઉજળે ચોક ઉષાને વાદલડી નાની સરકે એવી રમ્ય લલાટ પ્રદેશે ઝુલ્ફાંની લટ શી ફરકે! નિત નિત નૌતમ એનાં રૂપ નમું નમું હો બાળસ્વરૂપ ગોમુખથી ઝરતાં ઝરણાં સમ ખીલ ખીલ હસતું મંજુલ નાદ બીક નહિ પરવા નહિ કો'ની આત્મામાંથી ઝરે પ્રસાદ માતાપિતાનું મંગલ રૂપ નમું નમું હો બાળસ્વરૂપ ઘાટીલું ને દડઘા જેવું સાજું તાજું ને ગંભીર દૈવચક્ર શી પ્રતિભાવંતુ ડીફા જેવું દીપે શરીર મનુકૂલને સિંહાસન ભૂપ નમું નમું હો બાળસ્વરૂપ વિકારની નહિ રેખ વદન પર સ્વચ્છ નિખાલસ સુરખી રમે અંતરની અણિશુદ્ધ પ્રતિમા કહો કહો કોને ન ગમે? ઈશ્વર પણ થાયે તદ્રૂપ નમું નમું હો બાળસ્વરૂપ
-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
[પાછળ]     [ટોચ]