વૃક્ષારોપણ ગીત અહો ધરતી મૈયા! મુગ્ધ આવ્યાં તવ બાળ તારે ખોળે હુલાવજે એને ચિરકાળ જોને નાનેરાં નાજુક અહીં આવ્યાં તવ બાળ! અરી! હો! ધરતી મૈયા મુગ્ધ આવ્યાં તવ બાળ હાં આવ્યાં તવ બાળ હાં આવ્યાં તવ બાળ (૧) બીજ નાના સૌ ઝંખે છે જીવનનાં નૂર છોડ ઝંખે છે મીઠા તવ હાલાનાં સૂર રહે રેલાવી એ પર તવ હૈયાનાં પૂર અહો વ્હાલ તણાં પૂર! સદા લેજે તું હેતભરી એની સંભાળ! અરી ! હો ! ધરતી મૈયા મુગ્ધ આવ્યાં તવ બાળ (૨) રહો સૂરજની હેતભરી એ પર નિત આંખ રહો ખીલન્ત જેમ નભે બીજનો શશાંક રહો વાયુની લહરાતી હૂંફભરી પાંખ સદા હૂંફભરી પાંખ! સદા લેજે તું હેતભરી એની સંભાળ! અરી! હો! ધરતી મૈયા મુગ્ધ આવ્યાં તવ બાળ (૩) ખોલી વનરાઈ સમાં ભરજો એ વ્યોમ ફળે ફૂલે એ ભરજો અમ છલકાતી ભોમ એની છાયામાં જીવનનું પ્રગટો શિવ જોમ અહો! પ્રગટો શુભ જોમ! સદા લેજે તું હેતભરી એની સંભાળ! અરી! હો! ધરતી મૈયા મુગ્ધ આવ્યાં તવ બાળ -સ્નેહરશ્મિ
|