[પાછળ]
ભીંત મૂંગી રહી

આંગણું બડબડ્યું  ડેલી બોલી પડી  ભીંત મૂંગી રહી
ઘર વિશે અવનવી વાત સહુએ કરી ભીંત મૂંગી રહી

આભમાં  ઊડતી  બારીઓ  પથ્થરે કાં જડાઈ ગઈ?
વાત  એ  પૂછનારેય  પૂછી  ઘણી   ભીંત મૂંગી રહી

‘આવજો કહેવું શું પથ્થરોને ?’ ગણી કોઈએ ના કહ્યું
આંખ માંડી  જનારાને  જોતી રહી   ભીંત મૂંગી રહી

ઘર તજી  કોઈ ચાલ્યું ગયું  એ પછી બારીએ બેસીને
માથું  ઢાળી  હવા આખી રાત રડી  ભીંત મૂંગી રહી

કાળના ભેજમાં  ઓગળી  ઓગળી  એ ખવાતી રહી
કોઈએ એ  વિષે કો'દિ પૂછ્યું  નહીં  ભીંત મૂંગી રહી

-મનોજ ખંડેરિયા
[પાછળ]     [ટોચ]