હિન્દ, આથી વધુ ભાગ્યવિહિન ક્યારે?
રે હિન્દ, આથી વધુ ભાગ્યવિહિન ક્યારે?
એકેય યોગ્ય નહિ શાસક રાજગેહે
દિલ્હી મંહી. જન પ્રવંચક દસ્યુકેરાં
ટોળાતણું સ્ખલિત શાસન વાર વારે!
પિંઢારલૂંટ : જ્યહીં ધાન્યથી કોલસાનું
છે ઝાઝું મૂલ્ય, યુગસિદ્ધ અરણ્ય નીલ
તે ભૂમિ બંજર થતી, તલને પ્રદેશ
જે વારિસંચિત - વિલુપ્ત હવે સદાનું.
એ જીવપ્રાણહર સર્પ પિપીલિકાની
સંયુક્ત શક્તિ થકી નષ્ટ થયેલ, જાણું;
એ ટાણું દૂર નહિ, એક જ દાયકામાં
ના કોઈ દસ્યુતણી શેષ હશે નિશાની
હો અંધકાર, દુઃખ મૃત્યુની યાતનાય,
એમાંથી માર્ગ કરી જીવન વ્હેતું જાય.
-રાજેન્દ્ર શાહ |