Jeans 101 એક ઇતિહાસિક કવિતા
દઈ પલાંઠી, આંખ મીચીને વાહ-વાહ કરતાં
લ્યો ભણોજી જીનિયોલૉજી
પાઠ્યક્રમમાં બ્લૂ જીન્સનો સાર
Pre-requisive માણસનો અવતાર
પ્રસ્તાવના એ કે
જન્મ્યા એટલે shrink થવાનાં
Wrinkle ઢગલાબંધ પડવાની
અને અંતમાં fade થવાનું
આજ સુધી આખી દુનિયામાં કુલ બનેલાં
સવ્વા ત્રણ અબજ
જીન્સ પહેરતી Texan blondes
કલકત્તાની કામિનીઓ
કાઉબૉયઝ ને કંઈક દેશના પ્રેસિડન્ટો
હિપ્પીઓ ને હીરોલોગ
સોશ્યલાઈટ્સ ને સાક્ષર સારસ્વતો
હિસ્ટોરિકલ વાતોમાં લો
મિક્સ કરો ભૈ કાવ્યોલૉજી
લ્યો ભણોજી જીનિયોલૉજી
જીનનો ઉદ્ભવ ક્યાંથી કેમ અને એની આ વાત
બ્લૂ જીન્સ પણ પશુપ્રાણીઓ માણસ
જેવી અન્ય જીન્સની જાત
નિમ્સ નામના નાનકડા એક ફ્રેન્ચ ગામનું કપડું
કહેવાયું એ fabric de nims
de nimsમાંથી બની ગયું ડેનિમ!
ગામલોક પરસેવો પાડી જે પણ ગૂંથે કાંતે વણે
શહેરી લોકો પુસ્તકરૂપે ક્લાસરૂમમાં ભણે
ડેનિમ કપડું બદલી નાખતું
ભલભલાની સાયકોલૉજી
લ્યો ભણોજી જીનિયોલૉજી
દુનિયા આખી જેને એના ફર્સ્ટ નામથી જાણે
કથા એ વીરની તમે સાંભળો હવે પરાણે
1829માં
લિવાઈ સ્ટ્રૉસનાં જીન જન્મ્યાં ત્યાંથી બોલો શ્રી ૧।
૧૮૫૩માં
૨૪ વરસે
બાપુ સાનફ્રાંસિસ્કો આવ્યા
સોનાની ખાણોને વેચ્યું
Contestoga wagons અને તંબુઓ માટે
કૅન્વાસનું કપડું
‘Should-a brought pants’
ખાણિયાઓએ કહ્યું,
‘Pants don’t wear worth
a hoot in the diggins’
ખાણિયાઓએ કહ્યામાં જ ઉમેર્યું.
કડકડતું કૅન્વાસ લઈ
દોડ્યો લિવાઈ દરજીની દુકાને
એમ બન્યું પહેલપહેલું જીન્સ પહેરવાને
ફ્રિસ્કોના એ ખાણગામમાં
‘Those pants of Levi’s’ના
પડી રહ્યાં હાકલાં
બોલી રહ્યો દેકારો
લિવાઈના નામના થ્યા જયકારો
આ કાવ્યમાં નહિ ચાલે કોઈ ફેંકોલૉજી
લ્યો ભણોજી જીનિયોલૉજી
જીન માત્ર માણસનાં ગાત્ર
માણસ માત્ર જીનને પાત્ર
જન્મી ઊછરી રંગ બદલતાં
બની જાય જેમ હૂબહૂ
કોપી ટુ કોપી એમ
માણસની જેમ
જીન જન્મ્યાંતાં brown, પણ બની ગયાં બ્લૂ
ક્વૅસ્ચન-બેસ્ચન હોય કાંઈ તો
લ્યો લગાવો પૂછોલૉજી
લ્યો ભણોજી જીનિયોલૉજી
છોકરીઓની જેમ બને છે જીન્સ
અલગ અલગ બસ્સોને ચોવીસ સાઈઝોમાં
છોકરાઓની માફક
ગણીને ડેનિમની છવ્વીસ જાત
જીન્સ પહેરવામાં છોકરાઓ ટૉપ
છોકરીઓ બધી બેલ-બૉટમ
૧૮૫૦માં ઝિપર આવ્યાં
૧૮૭૩માં જીન્સ પર રિવેટ્સ
છોકરાને એક પૅર ઝિપર-ડાઉન
જીન્સથી જ થાય ધરો
છોકરીને enough
એક જીન્સ અને એક જીન્સભેર તોફાની છોકરો
આ પાઠ અહીં થયો પૂરો
ટૂંક સાર એટલો કે જીન્સ વિના માણસ અધૂરો
ઊઠો, કરો ખંખેરોલૉજી
લ્યો ભણી ર્યા જીનિયોલૉજી
-ચંદ્રકાન્ત શાહ
|