[પાછળ]
અલબેલો નહિ જાય ચાકરી રે લોલ

ઊભી ઊભી ઉગમણે દરબાર
કાગળિયા આવ્યાં રાજના રે લોલ

ઊઠો દાસી દીવડીયા અંજવાસો
કાગળિયા આવ્યાં રાજના રે લોલ

શેની કરું દીવડીયાની વાટ્યું
શેણે રે દીવો પરગટું રે લોલ

અધમણ રૂની કરી છે વાટ્યું
સવા મણ તેલે પરગટ્યો રે લોલ

બાળ્યાં બાળ્યાં બાર ઘાણીનાં તેલ
તો યે ન કાગળ ઉકલ્યો રે લોલ

ઉગ્યો ઉગ્યો પૂનમ કેરો ચંદર
સવારે કાગળ ઉકલ્યો રે લોલ

કોરે મોરે લખિયું છે સો સો સલામું
વચાળે વેરણ ચાકરી રે લોલ

ઈ ચાકરીએ સસરાજીને મેલો
અલબેલો નહિ જાય ચાકરી રે લોલ

સસરાજીને ચોરાની ચોવટું
મેલીને નહિ જાય ચાકરી રે લોલ

ઈ ચાકરીએ જેઠજીને મેલો
અલબેલો નહિ જાય ચાકરી રે લોલ

જેઠજીને ગામના ગરાસ
મેલીને નહિ જાય ચાકરી રે લોલ

ઈ ચાકરીએ દેરજીને મેલો
અલબેલો નહિ જાય ચાકરી રે લોલ

દેર ઘેર નાના વહુવારું
મોલમાં નહિ રહે એકલા રે લોલ

રોઝી ઘોડી પિત્તળિયાં પલાણ
અલબેલો  ચાલ્યા ચાકરી રે લોલ

ગોરાંદેએ ઝાલી લગામ કે
અલબેલા ક્યારે આવશો રે લોલ

ગણજો ગોરી પીપળિયાંના પાન
એટલે તે દહાડે આવશું  રે લોલ

ક્લીક કરો અને સાંભળોઃ

[૧૯૭૬માં રેકોર્ડ થયેલું આ ગીત થોડા જુદા શબ્દોથી ગવાયું છે પરંતુ પ્રફુલ્લ દવેએ એટલું ઓતપ્રોત થઈને ગાયું છે કે સાંભળીને આપણને હેમુ ગઢવીની યાદ તાજી થઈ જાય.]

[પાછળ]     [ટોચ]