[પાછળ]
બેડાં મારા નંદવાણાં

પાણી ગ્યા'તાં રે બેની અમે તળાવનાં રે                  
              પાળેથી લપટ્યો પગ, બેડાં મારા નંદવાણાં રે

ચોરે બેઠાં રે બેની તારા સસરાજી રે                      
         કેમ કરી ઘરમાં જઈશ કે બેડાં તારા નંદવાણાં  રે

લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટાં રે                    
           રૂમઝૂમ કરતી જઈશ કે બેડાં મારા નંદવાણાં રે

પાણી ગ્યા'તાં રે બેની અમે તળાવનાં રે                  
              પાળેથી લપટ્યો પગ, બેડાં મારા નંદવાણાં રે

ડેલીએ બેઠાં રે બેની તારા જેઠજી રે                      
         કેમ કરી ઘરમાં જઈશ કે બેડાં તારા નંદવાણાં  રે

લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટાં રે                    
           ધમધમ કરતી જઈશ કે બેડાં મારા નંદવાણાં રે

પાણી ગ્યા'તાં રે બેની અમે તળાવનાં રે                  
              પાળેથી લપટ્યો પગ, બેડાં મારા નંદવાણાં રે

ઓસરિયે બેઠાં રે બેની તારા સાસુજી રે                  
         કેમ કરી ઘરમાં જઈશ કે બેડાં તારા નંદવાણાં  રે

લાંબા તાણીશ રે બેની મારા ઘૂમટાં રે                    
             હળવે હળવે જઈશ કે બેડાં મારા નંદવાણાં રે

પાણી ગ્યા'તાં રે બેની અમે તળાવનાં રે                  
              પાળેથી લપટ્યો પગ, બેડાં મારા નંદવાણાં રે

ઓરડે બેઠાં રે બેની તારા પરણ્યોજી રે                   
         કેમ કરી ઘરમાં જઈશ કે બેડાં તારા નંદવાણાં  રે

આઘા રાખીશ રે બેની મારા ઘૂમટાં રે                    
            મલકી મલકી જઈશ કે બેડાં મારા નંદવાણાં રે

પાણી ગ્યા'તાં રે બેની અમે તળાવનાં રે                  
              પાળેથી લપટ્યો પગ, બેડાં મારા નંદવાણાં રે

ક્લીક કરો અને સાંભળો રાજુલ મહેતાના
સ્વરમાં આ લોકગીતઃ
 
[પાછળ]     [ટોચ]